Natural Farming :
- બટેટા પ્રોટીન, સ્ટાર્ચ અને વિટામિન સી ઉપરાંત એમિનો એસિડ જેવા કે, ટ્રીપ્ટોફેન, લ્યુસીન, આઈસોલ્યુસીનથી ભરપૂર હોય છે
- બટેટાની પ્રાકૃતિક ખેતીથી મેળવો માતબર આર્થિક વળતર
ખેડૂત મિત્રો, પ્રાકૃતિક કૃષિની આ શ્રેણીમાં આપણે અનેકવિધ ફળો અને શાકભાજીના વાવેતર અને તેના ફાયદાઓ વિશે માહિતી મેળવીએ છીએ. જેમાં આજે આપણે જેના વિશે વાત કરવાના છીએ તે છે શાકભાજીનો રાજા.. ! એટલે કે બટેટાના વાવેતર, તેને અનુકુળ જમીનની પસંદગી, વાવવા માટેનો યોગ્ય સમય, બિયારણની પસંદગી, બીજ માવજત તેમજ બીજ વાવવાની પદ્ધતિ સહિતની વિગતવાર માહિતી મેળવીશું.
બટેટાને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે. બટેટા વગર આપણે કદાચ રસોઈની કલ્પના પણ કરી શકતા નથી. કદાચિત એવી કોઈક જ રસોઈ હશે કે, જેમાં બટેટા જોવા નહીં મળે. બટેટામાં પ્રોટીન, સ્ટાર્ચ અને વિટામિન સી ઉપરાંત એમિનો એસિડ જેવા કે, ટ્રીપ્ટોફેન, લ્યુસીન, આઈસોલ્યુસીન વગેરે સારા એવા પ્રમાણમાં જોવા મળે છે, જે શરીરના વિકાસ માટે અત્યંત જરૂરી છે. બટેટાની પ્રાકૃતિક ખેતીથી માતબર આર્થિક વળતર મેળવી શકાય છે.
Natural Farming : બટેટા વાવવાનો યોગ્ય સમય:
બટેટાની એવી જાતો કે, જે ઓછા સમયમાં તૈયાર થાય છે જેવી કે, કુફરી પુંખરાજ, કુફરી મોહન જે લગભગ 70 થી 80 દિવસમાં તૈયાર થઈ જાય છે. તેની વાવણી ઓક્ટોબરના શરૂઆતમાં જ કરી દેવી જોઈએ. જે જાત તૈયાર થવામાં લાંબો સમય લે છે જેવી કે, કુફરી પુષ્કર, ચિપસોના-1, ચિપસોના-2, ચિપસોના-3, 5758 સહિતની જાતો 90 થી 110 દિવસમાં તૈયાર થઈ જાય છે. તેની વાવણી ઓક્ટોબર મહિનામાં કરી શકાય છે.
Natural Farming : જમીનની તૈયારી
બટેટાની વાવણી સમયે જમીન સૂકી હોવી જરૂરી છે. જો બટેટાની વાવણી ડાંગરની કાપણી પછી કરવી હોય અને ખેતરમાં ભેજ હોય તો પહેલાં ખેતરને ખેડ કરીને સુકાવા દો. ત્યાર પછી છેવટની ખેડ કરતી વખતે પ્રત્યેક એકર 8 થી 10 ક્વિન્ટલ ઘનજીવામૃત સારી રીતે જમીન ઉપર ફેલાવી દો, પછી કલ્ટિવેટરથી ખેડ કરો. બટેટાના મૂળ જમીનની અંદર તૈયાર થતાં હોય છે, તેથી માટી ભરભરી હોવી અત્યંત જરૂરી છે. ટ્રેક્ટરની મદદથી સારી રીતે બેડ બનાવી દો.
Natural Farming : બિયારણની પસંદગી અને બીજ માવજત:
બટેટાના બીજની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખો કે, બીજ મધ્યમ સાઇઝના અને બે વર્ષ કરતાં વધારે જૂના હોવા જોઈએ નહીં.
બીજ માવજત: “કોલ્ડ સ્ટોરેજમાંથી કાઢવામાં આવેલા બીજને તુરંત વાવો નહીં. સૌપ્રથમ બીજને બહાર રાખીને તેનું તાપમાન સામાન્ય થવા દો. ત્યાર પછી ગળેલાં, સડેલાં એવાં બીજને દૂર કરવા માટે ગ્રેડિંગ કરો. ત્યાર પછી તૈયાર કરવામાં આવેલાં બીજામૃતનો સ્પ્રે પંપ દ્વારા બીજ ઉપર છંટકાવ કરો. બીજને પલટાવીને ફરી વખત તેના ઉપર બીજામૃતનો છંટકાવ કરો. તેથી સારી રીતે બીજ સંસ્કારિત થઈ જાય. ત્યાર પછી તેને તડકા નજીકની છાયામાં સુકવો. આટલું કર્યા પછી જ બીજની વાવણી કરો. આવું કરવાથી પાકમાં રોગો ઓછા આવશે અને ઉત્પાદન વધશે. (ક્રમશ:-ભાગ-૨ આવતા અંકે)
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.