News Continuous Bureau | Mumbai
Viksit Krishi Sankalp Abhiyan :
ઉત્તરાખંડની બેટી ગુજરાતમાં કરે છે મશરૂમની ખેતી
–:વર્ષાબહેન:–
• ગુજરાતમાં ‘ઇઝ ઓફ બિઝનેસ’ની સાથે ‘ઇઝ ઓફ ફાર્મિંગ’ પણ છે
• ગુજરાતમાં ફ્યુચરિસ્ટિક ફાર્મિંગનું પોટેન્શિયલ છે જેને અનલિશ કરવું જોઈએ
• મશરૂમ તોડવું એ ઝાડ પરથી ફળ તોડવા બરાબર
………
વાર્ષિક ૨૫૦ ટન મશરૂમનું ઉત્પાદન – મોટાભાગે ફાર્મા કંપનીને સપ્લાય થાય છે : ખેતરમાં વધેલી પરાળ (ભૂંસુ) લાવી તેના પર ઉગાડાય છે મશરૂમ
(અહેવાલ : ઉમંગ બારોટ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ)
પિત્ઝાથી લઈને પ્રોટીન પાવડર તેમજ સૂપ, શાક અને અથાણાંમાં વપરાતા મશરૂમનું માતબર ઉત્પાદન વર્ષાબહેન આલોકે અમદાવાદ જિલ્લામાં કન્ટ્રોલ્ડ ફાર્મ યુનિટ લગાવીને શરૂ કર્યું છે. મશરૂમ ઠંડા ભેજવાળા વાતાવરણમાં જ ઉછરે છે તેથી આપણે ત્યાં સામાન્ય રીતે તેની ખેતી શક્ય બનતી નથી. જોકે, વર્ષાબહેને ધોળકામાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ખાસ યુનિટ સ્થાપીને બારેમાસ મશરૂમ ઉગાડવાની ફેસિલિટી વિકસાવી છે.
ઉલ્લેખનીય છે કે, મશરૂમ એ વનસ્પતિ કે છોડ નથી, તેથી તેને સૂર્યપ્રકાશની જરૂર નથી. મશરૂમ એક ફૂગ છે, સજીવ છે, જે ગાઢ જંગલમાં ઉછરે છે. ખાદ્ય મશરૂમ અનેક પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં વિકસિત ખેતી સંકલ્પ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે. આ અભિયાનનો હેતુ ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અને સમયને અનુરૂપ ટેકનોલોજી વિશે માહિતગાર કરીને ખેત ઉત્પાદનમાં વૃદ્ધિ કરવાનો છે. કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગ એટલે કે નિયંત્રિત વાતાવરણમાં ખેતી કરવાનાં નિષ્ણાત વર્ષાબહેને બટન મશરૂમની ખેતીના એક તીરથી ઘણા નિશાન સાધ્યા છે. ખાસ તો ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ, વિકસિત ખેતીની આગવી કેડી કંડારી છે.
વર્ષાબહેન આલોક પહેલા બેન્કિંગ વ્યવસાયમાં હતા. અમદાવાદ અને મુંબઈમાં વિવિધ બેન્કોમાં તેમણે નોકરી કરી છે. વર્ષાબહેન ‘કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગ’માં પીએચડીની ડિગ્રી ધરાવે છે. તેમણે આઈઆઈએમ, અમદાવાદમાંથી ‘ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ’નો અભ્યાસ પણ કર્યો છે. ઉત્તરાખંડના વતની વર્ષાબહેનને આધુનિક અને નવીનતમ ખેતી પ્રત્યે રુચિ હોવાથી તેમણે બેન્કરમાંથી ફાર્મર બનવાનો નિર્ણય લીધો હતો.
આ સમાચાર પણ વાંચો: Viksit Krishi Sankalp Abhiyan : ધરું ઉછેર કરી ધરખમ આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ
વર્ષાબહેને જણાવ્યું કે, ગુજરાતમાં ‘ઈઝ ઓફ બિઝનેસ’ની જેમ ’ઈઝ ઓફ ફાર્મિંગ’ પણ છે. કાયદો વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિ અને વ્યવસાય કરવા માટેની વિશાળ તકોની ઉપલબ્ધિને કારણે એક મહિલા તરીકે મેં મશરૂમની ખેતી માટે ગુજરાત અને તેમાંય અમદાવાદની પસંદગી કરી અને બે વર્ષ પહેલાં ધોળકામાં મશરૂમની ખેતી માટે કન્ટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મ યુનિટ સ્થાપ્યું છે. અમદાવાદ બાગાયત નિયામક કચેરીના માર્ગદર્શન મુજબ વર્ષાબહેને ધોળકામાં જે આધુનિક ફેસિલિટી વિકસાવી છે તેમાં કુલિંગ પ્લાન્ટ લગાવી ખૂબ જ ઠંડા વાતાવરણમાં મશરૂમ ઉગાડાય છે. બે માળ ઊંચા લોખંડના રેક પરની ક્રમબદ્ધ પાટલીઓ ઉપર પ્લાસ્ટિકના થેલામાં કમ્પોસ્ટ ભરીને જર્મીનેશન પ્રક્રિયા દ્વારા મશરૂમ ઉગાડવામાં આવે છે.
વર્ષાબહેનના જણાવ્યા મુજબ, યુનિટમાં લોખંડના આવા આઠ રેક બનાવવામાં આવ્યા છે. જે વર્ષે લગભગ ૨૫૦ ટન મશરૂમનું ઉત્પાદન કરે છે. એટલે કે મહિને ૨૦થી ૨૫ ટન મશરૂમ અહીં ઊગે છે.જો આટલા મશરૂમ જમીન પર ઉગાડવામાં આવે તો ઓછામાં ઓછી એક એકર જમીનની જરૂર પડે. પરંતુ વર્ષાબહેન આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સીમિત જગ્યામાં પ્લાન્ટ લગાવી મશરૂમનો માતબર પાક મેળવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, આ વ્યવસાય થકી વર્ષાબહેન ધોળકા પંથકની ૪૦ મહિલાઓ સહિત ૫૦ લોકોને નિયમિત રોજગારી આપી રહ્યાં છે.
વર્ષાબહેન કહે છે, મશરૂમ તોડવું એ ઝાડ પરથી ફળ તોડવા જેવું છે. જેમ ફળ તોડવાથી આખું ઝાડ મરી જતું નથી, તેમ મશરૂમ તોડવાથી તેની નીચે રહેલી મુખ્ય ફૂગ (માયસેલિયમ) જીવિત રહે છે. જો માયસેલિયમને નુકસાન ન પહોંચે અને તેને યોગ્ય ભેજ, તાપમાન અને પોષણ મળતું રહે, તો તે ભવિષ્યમાં ફરીથી નવા મશરૂમ ઉત્પન્ન કરી શકે છે. મશરૂમ વે–પ્રોટીન તેમજ અનેક વિટામિનનો સ્રોત છે. મશરૂમ ખોરાક અને દવા બંનેમાં ઉપયોગી છે.
મશરૂમના ઉછેર માટે માટી નહીં કમ્પોસ્ટનો ઉપયોગ થાય છે. આ કમ્પોસ્ટ ઘઉં તેમજ અન્ય ધાનની પરાળમાંથી બનાવવામાં આવે છે. ખેતરમાં પાક લણી લીધા પછી જે પરાળ વધે છે તે મશરૂમની ખેતી માટે ઉપયોગી છે. પરાળને પાણીની વરાળ, પશુનું મળ, કાર્બોહાઈડ્રેટ, પોટાશ વિગેરે તત્ત્વો સાથે મિશ્ર કરી કમ્પોસ્ટ બનાવવામાં આવે છે. કમ્પોસ્ટના થેલામાં મશરૂમના બીજ (માયસેલિયમ)ને રોપીને નિયંત્રિત વાતાવરણમાં જર્મિનેશન થવા દેવામાં આવે છે જેને પરિણામે ૨૫થી ૩૦ દિવસમાં ફૂગ ઊગી નીકળે છે.
ધોળકાના યુનિટમાં આ મશરૂમને કાપીને પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરી લેવામાં આવે છે. મોટાભાગના મશરૂમ ફાર્મા કંપનીને દવા અને પ્રોટીન પાવડર બનાવવા માટે આપવામાં આવે છે.
વર્ષાબહેન કહે છે કે, આ પ્રકારની ફ્યુચરિસ્ટિક ખેતી ફ્રાન્સ, જાપાન અને ઇઝરાયેલમાં કરવામાં આવે છે. ગુજરાતમાં ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ કરવાનું પોટેન્શિયલ રહેલું, જેને અનલીશ કરવું જોઈએ છે. આગામી ત્રણ દાયકામાં ખેતીનું કલેવર બદલાઈ જવાનું છે. ફ્યુચરિસ્ટિંગ ફાર્મિંગ સમયની માગ છે.
વર્ષાબહેનને આ સમગ્ર યુનિટના નિર્માણમાં માર્ગદર્શન આપનારા બાગાયત અધિકારી શ્રી લાલજી ચૌધરી જણાવે છે કે, કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ ફાર્મિંગમાં એક્ઝોટિક ફ્રુટ, વેજીટેબલ્સ અને ડ્રાયફ્રુટ પણ ઉગાડી શકાય છે. વર્ષાબહેન આલોકે ફ્યુચરિસ્ટિક ફાર્મિંગનું જે સાહસ કર્યું છે તે ગુજરાતના લાખો ખેડૂતોને આધુનિક – વિકસિત ખેતી કરવા માટેની પ્રેરણા પૂરી પાડશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.