ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 જૂન 2021
બુધવાર
મુંબઈના દાદર વિસ્તારમાં કાપડના વેપારી કમલ શાહ સાથે ચાર દિવસ પહેલાં દાદરની પોલીસે કરેલી ગેરવર્તણૂક બાદ વેપારીઓ હવે વીફર્યા છે. સરકારના પ્રતિબંધોને કારણે પહેલાંથી વેપારી વર્ગ પરેશાન છે. એમાં પોલીસની દાદાગીરીને તાબે હવે નહીં થઈએ. કોરોનાને ધ્યાનમાં રાખીને રસ્તા પર ઊતરીને ધરણા પ્રદર્શન કરવાની અમારી વૃત્તિ નથી, પરંતુ હવે સહનશીલતાનો અંત આવી ગયો છે. સરકાર અમને રસ્તા પર ઊતરવા મજબૂર ના કરે એવો રોષ વેપારી વર્ગે વ્યક્ત કર્યો છે.
દુકાનોને ચાર વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની મંજૂરી છે, પરંતુ રસ્તા પર મોડી રાત સુધી બિનધાસ્ત ધંધો કરનારા ફેરિયાઓ સામે પોલીસ અને મુંબઈ મહાનગરપાલિકા આંખ આડા કાન કરી રહી છે. દાદરના કાપડના વેપારી કમલ શાહે 27 જૂનના દાદરના રાનડે રોડ પર ફેરિયાઓનો વીડિયો ઉતારતાં પોલીસ જોઈ ગઈ હતી. વેપારીને સમર્થન આપવાને બદલે ફેરિયાઓને બચાવવા પોલીસ દોડી ગઈ હતી. તેણે તુરંત કમલનો મોબાઇલ છીનવીને એમાં કરેલું રેકૉર્ડિંગ ડિલીટ કર્યું હતું. એટલેથી નહીં અટકતાં પોલીસે કમલ શાહ પાસે અનેક વખત સૉરી બોલાવીને કલાકો પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો હતો.
આ બનાવને પગલે વેપારી વર્ગ ભારે વીફર્યો છે. ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશન્સના પ્રેસિડન્ટ વિરેન શાહે મુંબઈ પોલીસ કમિશનર, મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી સીતારામ કુંટે અને પર્યટનપ્રધાન આદિત્ય ઠાકરેને ફરિયાદ કરી છે. જોકે હજી સુધી તે પોલીસ સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. ઊલટાનું પોલીસે વિરેન શાહને જ તેમણે કરેલા ટ્વીટને ડિલીટ મારવા કહ્યું છે. વિરેન શાહે જણાવ્યું હતું કે અમે પોલીસની ખોટી દાદાગીરીને તાબે નહીં થઈએ. પોલીસ અને સરકાર શું પગલાં લે છે એના પર નજર છે. અન્યથા અમારી પાસે પોલીસના આ પગલાનો વિરોધ કરવાનો વિકલ્પ છે.
દાદર વેપારી સંઘના સેક્રેટરી હરેશ શાહે કહ્યું હતું કે પોલીસની દાદાગીરીને તાબે તો નહીં જ થઈએ. અમે શાંતિથી ધંધો કરવા માગીએ છીએ. અમે ચાર વાગ્યે દુકાન બંધ કરીએ. ત્યાર બાદ અમારી જ દુકાન બહાર ફેરિયાઓ અંડિગો જમાવે છે. એ અમે કઈ રીતે સહન કરીએ. મુંબઈ પોલીસ અને સરકારે આ બનાવની યોગ્ય નોંધ લેવી જ પડશે. નહીં તો અમારી લડત અમને આગામી દિવસમાં વધુ ઉગ્ર બનાવી પડશે.
સારા સમાચાર : કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે ગૃહિણીઓનાં કિચન-બજેટમાં રાહત થશે; જાણો વિગત
ફામના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જિતેન્દ્ર શાહે જણાવ્યું હતું કે આ બનાવનો સખત શબ્દોમાં અમારો વિરોધ છે. પોલીસની દાદાગીરી કોઈ કાળે સહન નહી કરવામાં આવે. આ બાબતે અમે તમામ વેપારી સંસ્થાઓ સાથે મિટિંગ કરીને આગળ શું પગલું લેવું એનો નિર્ણય લેવાના છીએ.