ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઑગસ્ટ, 2021
મંગળવાર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના નવા નિયમને કારણે એકથી વધુ બૅન્ક પાસેથી ધિરાણ (ક્રેડિટ) લેનારી કંપનીઓનાં કરન્ટ ઍકાઉન્ટ હવે અમુક બૅન્ક રાખી શકશે નહીં. જે બૅન્કનું ધિરાણ કુલ ધિરાણના 10 ટકાથી ઓછું હોય એવી બૅન્કો આ કંપનીઓનાં કરન્ટ ઍકાઉન્ટ હવેથી રાખી શકશે નહીં. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનો આ નિયમ 30 જુલાઈથી અમલમાં આવ્યો છે. એને પગલે દેશની અનેક બૅન્કોના લોકોનાં કરન્ટ ઍકાઉન્ટ બંધ કરી દેવાયાં છે અથવા તો એને સ્થગિત કરી દેવાની બૅન્કોને ફરજ પડી છે. RBIના આ નવા નિયમથી નાના વેપારી ગૃહોને સૌથી વધુ સહન કરવું પડ્યું છે.
RBIની સૂચના મુજબ બૅન્કોએ પોતાના ગ્રાહકોના કરન્ટ ઍકાઉન્ટ બંધ કરવાની ફરજ પડી છે. એને લઈને બૅન્કોએ પોતાના ગ્રાહકોને પણ જાણ કરી છે. સ્ટેટ બૅન્કે લગભગ 50,000થી વધુ આવાં ખાતાં બંધ કરી દીધાં હોવાનું કહેવાય છે.
થોડા દિવસ પહેલાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ સર્ક્યુલર બહાર પાડ્યો હતો. હકીકતમાં ગયા વર્ષના ઑગસ્ટ મહિનાથી જ RBI આ પગલું લેવાની હતી, પરંતુ અનેક બૅન્કોએ એની સામે વાંધો લીધો હતો. કરન્ટ ઍકાઉન્ટ પર જમા રહેલા પૈસા પર બૅન્ક કોઈ વ્યાજ ચૂકવતી નથી. એથી કંપનીઓનાં આવાં ઍકાઉન્ટ બૅન્કો માટે હંમેશાંથી ફાયદામંદ રહ્યાં છે.
નવા નિયમ અનુસાર બૅન્ક ધિરાણમાં આ હેતુસર લોન, ગૅરન્ટી અને ઓવર ડ્રાફ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે કંપનીઓએ બધી બૅન્કો પાસેથી લીધેલા કુલ ધિરાણમા જે બૅન્કનો હિસ્સો 10 ટકાથી ઓછો હશે તેમણે હવે આવી કંપનીઓનાં કરન્ટ ઍકાઉન્ટ બંધ કરવાં પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ પેમેન્ટ માટે લૉન્ચ કર્યુ ઇ-રૂપી, જાણો ક્યાં ક્યાં કરી શકાશે ઉપયોગ
નિષ્ણાતોના કહેવા મુજબ કંપનીઓ દ્વારા થતી પૈસાની હેરફેર રોકવા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. જો કંપનીનું કરન્ટ ઍકાઉન્ટ અને તેણે જેની પાસેથી ધિરાણ લીધું હોય એ બંને બૅન્કો એક જ હશે તો કંપનીઓને પૈસાની હેરફેરમાં મુશ્કેલી થઈ શકે છે. નવા નિયમમાં મ્યુચ્યુલ ફન્ડ અને ઇન્સ્યૉરન્સ કંપનીઓને બાકાત રાખવામાં આવી છે.
