ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જૂન 2021
મંગળવાર
મહારાષ્ટ્ર સરકારે બ્રેક ધ ચેઇન હેઠળ જાહેર કરેલા નિયમ મુજબ મુંબઈ લેવલ વનમાં છે. છતાં મુંબઈ મહાનગરપાલિકાએ 27 જૂન સુધી લેવલ થ્રી હેઠળનાં નિયંત્રણોને જ ચાલુ રાખ્યાં છે, ત્યારે મહારાષ્ટ્રના વેપારીઓનું નેતૃત્વ કરતી ફેડરેશન ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર (FAM)એ મહારાષ્ટ્ર સરકાર અને BMCના અલગ-અલગ નિર્ણયને કારણે વેપારી વર્ગ પિસાઈ રહ્યો છે એવા શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી. એ સાથે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પાલિકાની ભેદભાવભરી નીતિ સામે વિરોધ પણ દર્શાવ્યો હતો.
FAMના અધ્યક્ષ વિનેશ મહેતાએ જણાવ્યું હતું કે શરૂઆતથી જ સરકાર અને પાલિકા વેપારીઓ સાથે અન્યાય કરી રહી છે. અત્યાર સુધી વેપારી વર્ગે સંપૂર્ણ રીતે તેમને સહયોગ આપ્યો છે, પણ હવે સહનશીલતાનો અંત આવ્યો છે. મહારાષ્ટ્ર સરકાર નિયમોને આગળ કરીને ધીમે-ધીમે રાહત આપવાની વાત કરે છે. સાથે જ નિયંત્રણો હળવાં કરવાની જવાબદારી સ્થાનિક પાલિકાના માથા પર નાખી દેતી હોય છે. તો મુંબઈ પાલિકા કોરોનાનું જોખમ હજી પણ છે એવું કારણ આપીને રાહત આપવાથી પાછળ હટી રહી છે. મહારાષ્ટ્ર સરકાર અને BMC બંને પ્રૅક્ટિકલી અને થિયોરિટિકલી અલગ-અલગ વર્તી રહી છે, તેમના આવા વલણમાં વેપારી વર્ગ પિસાઈ રહ્યો છે.
મુંબઈ મહાનગરપાલિકા નિર્ણય લેતાં ડરી રહી છે એવું જણાવતાં વિનેશ મહેતાએ કહ્યું હતું કે મુંબઈમાં વેપારીઓ સાથે રાખવામાં આવી રહેલા ભેદભાવ બદલ અમે શરૂઆતથી પાલિકા અને મહારાષ્ટ્ર સરકાર સમક્ષ વિરોધ કરતાં આવ્યા છીએ. સોમવારના પાલિકાના નિર્ણય બાદ અમારો વિરોધ હવે વધુ મજબૂત બન્યો છે. દેશભરમાં ધીમે-ધીમે લૉકડાઉનમાં રાહત આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં પણ અનેક જિલ્લામાં રાહત મળી ગઈ છે. એટલે સુધી કે મુંબઈને અડીને આવેલા થાણે અને નવી મુંબઈમાં પણ સ્થાનિક પાલિકાઓએ મોટી રાહત આપી છે, ત્યારે BMC જ એક એવી છે જે વેપારીઓને છૂટછાટ આપવાથી પાછળ હટી રહી છે.