ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 જુલાઈ, 2021
શનિવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણમાં છે, છતાં દુકાનો ખોલવાનો સમય લંબાવી આપવાની લાંબા સમયથી વેપારીઓની માગણી પ્રત્યે મહારાષ્ટ્ર સરકારે હજી કોઈ નિર્ણય લીધો નથી. એ સંબંધમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના વેપારીઓનું પ્રતિનિધત્વ કરતી સંસ્થા ફેડરેશન ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર (FAM)એ શુક્રવારે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારની મુલાકાત લીધી હતી. તેમને રાજ્યમાં રહેલા પ્રતિબંધક નિયમો હળવા કરીને દુકાનો રાતના આઠ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની અને નાના વેપારીઓ તથા દુકાનદારોને પાંચ લાખ રૂપિયા સુધીનું વળતર આપવાની માગણી કરતું મેમોરેન્ડમ આપ્યું હતું.
FAMના પ્રેસિડન્ટ વિનેશ મહેતાએ જણાવ્યું હતું કે દેશના મોટા ભાગના રાજ્યમાં નિયમો હળવા કરવામાં આવ્યા છે ત્યાં વેપારધંધો ફરી પાટે ચઢી રહ્યો છે. જોકે મહારાષ્ટ્રમાં હજી સુધી વેપારીઓને કોઈ રાહત આપવામાં આવી નથી. અમે વેપારીઓને સાંજે આઠ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવાની માગણી કરી રહ્યા છીએ. સાથોસાથ હૉટેલ અને રેસ્ટોરાં રોજ રાતના એક વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી માગી રહ્યા છીએ. સરકારને તો અમે સતત વિનંતી કરી રહ્યા છીએ, પરંતુ રાજ્યપાલને પણ વેપારીઓને થઈ રહેલી તકલીફો વિશે વાકેફ કર્યા હતા અને અમારી માગણીઓ લઈને તેમને આવેદનપત્ર સોંપ્યું હતું. જેમાં નાના વેપારીઓ અને દુકાનદારોને પાંચ લાખ રૂપિયા સુધીનું વળતર આપવાની માગણી પણ FAM દ્વારા કરવામાં આવી છે.
FAMના ડાયરેક્ટર જનરલ આશિષ મહેતાએ જણાવ્યું હતું કે કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. હવે વેપારીઓને રાહત મળવી જોઈએ. મહામારીને પગલે વેપારીઓને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. વેપારીઓને વળતર આપવાની સાથે જ તેઓ ફરી પોતાનો વ્યવસાય ચાલુ કરી શકે એ માટે વ્યાજમુક્ત લોનની અમે માગણી કરી છે. તેમ જ હાલ વેપારીઓના માથા પર જે લોન છે, એનું વ્યાજ પણ માફ કરવાની તેમ જ પ્રૉપર્ટી ટૅક્સ અને લાઇટબિલમાં રાહત આપવાની માગણી અમે કરી છે.
FAMના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જિતેન્દ્ર શાહના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં છ જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિ અને પૂરથી અસરગ્રસ્ત થયેલા વેપારી વર્ગ માટે તાત્કાલિક પૅકેજ જાહેર કરવાની માગણી પણ અમે કરી છે. અસરગ્રસ્ત વેપારીઓનો તાત્કાલિક ઇન્સ્યૉરન્સ ક્લેમ ક્લિયર થાય એ માટે પણ સરકારને યોગ્ય પગલાં લેવાની વિનંતી પણ કરી છે.