News Continuous Bureau | Mumbai
દેશના સૌથી મોટા વેપારી સમૂહ અદાણી ગ્રુપે તાજેતરમાં એવા અહેવાલોનું ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગ્રુપને આસામના આદિવાસી બહુમતીવાળા જિલ્લા દિમા હસાઓમાં સિમેન્ટ પ્લાન્ટ માટે રાજ્ય સરકાર તરફથી 3,000 વીઘા જમીન ફાળવવામાં આવી છે. અદાણી ગ્રુપના પ્રવક્તાએ એક નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે આ અહેવાલો પાયાવિહોણા, ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.
“મહાબલ સિમેન્ટ્સ સાથે કોઈ સંબંધ નથી”
Adani Group ના પ્રવક્તાએ જણાવ્યું કે, “અમને જાણવા મળ્યું છે કે કેટલાક ન્યૂઝ રિપોર્ટ્સ, સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને કોર્ટની સુનાવણીની ક્લિપ્સ પ્રસારિત થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આસામ સરકારે દિમા હસાઓ જિલ્લામાં અદાણી જૂથને સિમેન્ટ પ્લાન્ટ માટે 3,000 વીઘા જમીન ફાળવી છે. અમે સ્પષ્ટપણે જણાવીએ છીએ કે આ અહેવાલો ખોટા છે. અદાણી ગ્રુપનું નામ મહાબલ સિમેન્ટ્સ સાથે જોડવું એ એક દૂષિત કૃત્ય છે. મહાબલ સિમેન્ટ્સ નો અદાણી ગ્રુપ સાથે કોઈ સંબંધ નથી.” તેમણે મીડિયા અને સામાન્ય જનતાને આવા દાવાઓ શેર કરતા પહેલા તથ્યોની પુષ્ટિ કરવા અપીલ કરી.
અંબુજા સિમેન્ટનો નફો 24% વધ્યો
અદાણી ગ્રુપ સિમેન્ટ સેક્ટર સહિત અન્ય ક્ષેત્રોમાં પણ વ્યવસાય કરે છે, અને તે અંબુજા સિમેન્ટ્સ તેમજ એસીસી (ACC)નું સંચાલન કરે છે. તાજેતરના અહેવાલ મુજબ, અંબુજા સિમેન્ટ્સનો એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળાનો નફો વાર્ષિક ધોરણે 24 ટકા વધીને ₹970 કરોડ થયો છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં ₹783 કરોડ હતો. કંપનીની આવક પણ 23 ટકા વધીને ₹10,000 કરોડથી વધુ થઈ છે. કંપનીએ નાણાકીય વર્ષ 2026માં સિમેન્ટની માંગમાં 7-8 ટકાનો વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરી છે.
આ સમાચાર પણ વાંચો : Jefferies: ટેરિફ નીતિઓ પર પીછે હઠ કરી શકે છે ટ્રમ્પ, ભારતીય બજારમાં વેચાણ કરવાને બદલે ખરીદી કરવી યોગ્ય નિર્ણય
શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં, ગુવાહાટી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એક રેકોર્ડિંગ સામે આવી છે, જેમાં ન્યાયાધીશ ખૂબ નારાજ જોવા મળ્યા. આસામના આદિવાસી બહુમતીવાળા દિમા હસાઓ જિલ્લામાં આશરે 3,000 વીઘા જમીન મહાબલ સિમેન્ટ્સ નામની એક કંપનીને ફાળવવામાં આવી હતી. આ મામલો જ્યારે કોર્ટમાં પહોંચ્યો, ત્યારે બેન્ચે કડક ટિપ્પણી કરી. આ જ મહાબલ સિમેન્ટ્સનું નામ અદાણી ગ્રુપ સાથે જોડવામાં આવી રહ્યું હતું, જોકે અદાણી ગ્રુપે સ્પષ્ટતા કરી દીધી છે કે તેમનો મહાબલ સિમેન્ટ્સ સાથે કોઈ સંબંધ નથી.