ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જુલાઈ, 2021
સોમવાર
દેશના કોઈ પણ વિસ્તારમાં આવેલી આફત સામે હંમેશાં મદદે દોડી જનારા મુંબઈના વેપારીઓએ ફરી એક વખત કમર કસી છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં થયેલી અતિવૃષ્ટિ અને આવેલા પૂરથી થયેલા નુકસાનથી અસરગ્રસ્તોની મદદે મુંબઈનું નાગદેવી સ્થિત ધ ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ મર્ચન્ટ્સ ઍસોસિયેશન આવ્યું છે. અસોસિયેશને પોતાના સભ્યોને મદદની અપીલ કરી હતી, એની સામે છેલ્લા બે દિવસમાં મોટી સંખ્યામાં વેપારીઓએ દાન કર્યું છે.
છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાને પગલે વેપારધંધા ઠપ્પ થઈ ગયા છે. વેપારીઓને મોટા પાયા પર ધંધામાં નુકસાન થયું છે. વેપારીઓની ગાડી હજી પણ પાટે ચઢી નથી. છતાં ધરતીકંપ હોય કે વરસાદી આફત વેપારીઓ હંમેશાં મદદ કરવામાં અગ્રેસર રહ્યા છે.
નાગદેવી સ્થિત ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ મર્ચન્ટ્સ ઍસોસિયેશનના પ્રેસિડન્ટ તુષાર શાહે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે અમારા 1800થી પણ વધુ સભ્યો છે. ઍસોસિયેશને કોલ્હાપુર, સાંગલી, રાયગડ, ચિપલૂણ વગેરે શહેરોમાં આવેલા પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવાનો નિર્ણય લીધો હતો. એ મુજબ અમારા સભ્યોને દાનની અપીલ કરી હતી. જોકે અમે રોકડ રકમમાં દાનનો સ્વીકાર નથી કરવાના. અમે લોકોને તેમના ઘરમાં નહીં વપરાયેલા પણ ફાટેલાં ન હોય એવાં કપડાં, વાસણ સહિતની તમામ ઘરમાં ઉપયોગી થાય એવો સામાન આપવાની અપીલ કરી છે. ચંપલ, સૅન્ડલ, લાઇટ, પંખા, વાસણ, કપડાં વપરાય એવી હાલતમાં હોવાં જોઈએ. કોઈ નવાં ખરીદીને આપવા માગતું હોય એ પણ આવકારવા લાયક રહેશે.
અસરગ્રસ્તોને અનાજ પણ પહોંચડાવામાં આવશે એવી માહિતી આપતાં તુષાર શાહે જણાવ્યું હતું કે હાલ અસરગ્રસ્તોને અનાજની પણ તાતી જરૂરિયાત છે, એથી લોકોને અનાજની કિટ વહેંચવાના છીએ. એક કિટ 850 રૂપિયાની છે, જેમાં ઘઉંનો લોટ, દાળ, ચોખા, કઠોળ, ચા, સાકર, તેલ તથા મસાલા જેવો સામાન હશે. સોમવાર સાંજ સુધીમાં 500 જેટલી કિટ થઈ જશે એવો અમારો અંદાજો છે. હજી બે-ચાર દિવસનો સમય છે. શનિવાર-રવિવાર સુધીમાં આ તમામ મદદ વેપારીઓ જાતે જઈને અસરગ્રસ્તોમાં વહેંચવાના છે. એ દરમિયાન તેઓને અન્ય વસ્તુની આવશ્યકતા હશે તો એ પણ શક્ય હોય તો પહોંચતી કરીશું.
અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ કેરળમા આવેલા પૂર દરમિયાન ઑલ ઇન્ડિયા બૉલબેરિંગ મર્ચન્ટ્સ ઍસોસિયેશને અસરગ્રસ્તોને મદદ પહોંચાડી હતી.
