News Continuous Bureau | Mumbai
Hurun India Rich List 2023: હુરુન ઈન્ડિયા (Hurun India) ના એક રિપોર્ટ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં ઘણા ફેરફારો થયા છે. ‘360 વન વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023’ (Hurun India Rich List 2023) અનુસાર, દેશમાં સંપત્તિના વિતરણને લગતા ઘણા નવા વલણો સામે આવ્યા છે. આ યાદીમાં 278 નવા લોકો સામેલ થયા છે, જેમની કુલ સંપત્તિ 7,28,200 કરોડ રૂપિયા છે. આ યાદીમાં ઔદ્યોગિક ઉત્પાદનો સાથે સંબંધિત 33 જ્યારે મેટલ અને માઈનિંગ ક્ષેત્ર સાથે સંબંધિત 29 લોકોને પ્રથમ વખત સ્થાન મળ્યું છે. આ સમયગાળા દરમિયાન રૂ. 1,000 કરોડથી વધુની સંપત્તિ ધરાવનાર વ્યક્તિઓની સંખ્યામાં 219 લોકો અથવા 76%નો વધારો નોંધાયો છે. આનાથી આવી સંપત્તિ ધરાવતા વ્યક્તિઓની કુલ સંખ્યા 1,319 થઈ ગઈ છે.
હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર રિલાયંસ ઈંડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) હવે સૌથી અમીર ભારતીય છે. તેમણે ગૌતમ અદાણી (Gautam Adani) ને પાછળ મૂકીને શીર્ષ સ્થાન મેળવ્યું છે. હુરુન ઈન્ડિયા અને 360 વન વેલ્થ દ્વારા સંયુક્તરૂપે જાહેર કરવામાં આવેલી હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023ની રિપોર્ટમાં ભારતનાં અરબોપતિઓની લિસ્ટ પબ્લિશ કરવામાં આવી છે. આ લિસ્ટમાં મુકેશ અંબાણી પરિવારે 8,08,700 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ સાથે શીર્ષ સ્થાન મેળવ્યું છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી આ વર્ષની યાદીમાં અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીને પાછળ છોડીને રૂ. 8,08,700 કરોડની નેટવર્થ સાથે ટોચ પર છે. આ સિવાય કુમાર મંગલમ બિરલા અને નીરજ બજાજ ભારતના ટોપ 10 અમીરોની યાદીમાં પાછા ફર્યા છે. તેણે વિનોદ અદાણી અને ઉદય કોટકને હરાવીને યાદીમાં પુનરાગમન કર્યું છે.
આ વખતની યાદીમાં સ્વ-નિર્મિત સાહસિકોની સંખ્યા મુખ્ય હતી. રાધા વેમ્બુએ ફાલ્ગુની નાયરને પાછળ છોડીને સૌથી અમીર ભારતીય મહિલાની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ સિવાય આ યાદીમાં 90ના દાયકામાં જન્મેલા 12 ભારતીયોના નામ સામેલ છે. આ યાદીમાં સૌથી યુવા ઉદ્યોગસાહસિક તરીકે ગ્રોસરી ડિલિવરી એપ્લિકેશન ઝેપ્ટોના સહ-સ્થાપક, બેંગલુરુ સ્થિત કેવલ્યા વોહરાના નામનો સમાવેશ થાય છે. તેની ઉંમર માત્ર 20 વર્ષની છે.
આ સમાચાર પણ વાંચો : Khalistan Terrorist Pannu: ‘પંજાબને આઝાદ કરાવવા માટે હમાસની જેમ કરીશું હુમલો’, ખાલિસ્તાની આતંકી પન્નૂએ ભારતને ફરી ધમકી આપી..
ગૌતમ અદાણીની સંપત્તિ હિંડનબર્ગની રિપોર્ટ બાદ 57% ઘટી…
રિપોર્ટ અનુસાર 66 વર્ષીય મુકેશ અંબાણીની સંપત્તિ ગતવર્ષની સરખામણીમાં 2% વધી છે. તો 61 વર્ષીય ગૌતમ અદાણી પરિવારની સંપત્તિ હિંડનબર્ગની રિપોર્ટ બાદ 57% ઘટીને 474800 કપોડ રૂપિયા નોંધાઈ છે. હિંડનબર્ગે આ વર્ષે જાન્યુઆરીમાં અદાણી સમૂબની રિપોર્ટ જાહેર કરી હતી જેમાં સમૂહ પર કેટલાક ગંભીર આરોપો મૂકવામાં આવ્યાં હતાં. આ બાદ સમૂહનાં માર્કેટ કેપમાં ઐતિહાસિક ઘટાડો થયો હતો. સાથે જ ગૌતમ અદાણીની પ્રાઈવેટ મિલકતને પણ નુક્સાન થયું હતું.
ભારતીય અમીરોની લિસ્ટમાં ત્રીજું સ્થાન સીરમ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાનાં પ્રમોટર પૂનાવાલા પરિવાર પાસે છે. આ પરિવારની સંપત્તિ 278500 કરોડ રૂપિયા છે જે ગતવર્ષની સરખામણીમાં 36% વધારે છે. HCLનાં 78 વર્ષીય શિવ નાદર અને પરિવારે 228900 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. ગત વર્ષની સરખામણીએ તેમની સંપત્તિમાં 23%નો વધારો નોંધાયો છે.
લંડન સ્થિત ગોપીચંદ હિંદુજા અને પરિવારની સંપત્તિમાં 7%નો વધારો થયો છે. તેમની હાલમાં અંદાજિત 176500 કરોડની સંપત્તિ છે. આ લિસ્ટમાં તેમણે 5મું સ્થાન મેળવ્યું છે. SUN ફાર્માસ્યૂટિકલ ઈંડસ્ટ્રીઝનાં દિલીપ સાંઘવી 164300 રૂપિયાની સંપત્તિની સાથે છઠ્ઠા સ્થાન પર છે જે ગતવર્ષની તુલનામાં 23% વધારે છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2023 અનુસાર એડ્યુકેશન પ્લેટફોર્મ બાયજૂનાં બાયજૂ રવીંદ્રન સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાંથી બહાર થઈ ગયાં છે. થોડા મહિનાઓથી કંપની પર આર્થિક સંકટ પણ છે.
યાદી અનુસાર ફાર્માસ્યુટિકલ સેક્ટરે મજબૂત કામગીરી દર્શાવી…
યાદી અનુસાર ફાર્માસ્યુટિકલ સેક્ટરે મજબૂત કામગીરી દર્શાવી હતી. યાદીમાં આ ક્ષેત્રના સૌથી વધુ 39 અબજપતિઓના નામ સામેલ છે. આ પછી કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટરના 23 અને ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ ઈન્ડસ્ટ્રીના 22 લોકોના નામ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. અહેવાલમાં સ્વ-નિર્મિત ઉદ્યોગસાહસિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ દર્શાવવામાં આવ્યો છે, જેમાં રેકોર્ડ-બ્રેકિંગ 871 સ્વ-નિર્મિત ઉદ્યોગસાહસિકોનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે સૂચિમાં 66% હિસ્સો ધરાવે છે.
યાદીમાં સમાવિષ્ટ મુખ્ય ભારતીય શહેરોમાં, મુંબઈ 328 નામ સાથે આગળ છે, ત્યારબાદ નવી દિલ્હી (199) અને બેંગલુરુ (100) છે. પ્રથમ વખત તિરુપુરે યાદીના ટોપ 20 શહેરોમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ વખતની યાદીમાં ઉદ્યોગસાહસિકોની રાશિએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. મીન રાશિના લોકો ધન સંચયમાં અગ્રેસર છે. આ પછી વૃષભ અને તુલા રાશિ છે. રિપોર્ટમાં સૌથી વધુ કન્યા રાશિના લોકોનો સમાવેશ થાય છે જે યાદીના 9.6% છે.
