ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જાન્યુઆરી 2022
બુધવાર.
દેશમાં ચિંતાજનક રીતે વધી રહેલા કોરોનાના કેસને પગલે દેશભરના વેપારી સંસ્થાનું નેતૃત્વ કરતી કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) તેની બે દિવસની નેશનલ ટ્રેડર્સ કોન્ફરન્સને રદ કરી નાખી છે. તેમ જ તેણે રાજકીય પક્ષોને પણ તેમની તમામ રેલીઓ રદ કરવાની વિનંતી કરી છે
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT ) દ્વારા આગામી 11 અને 12 જાન્યુઆરીએ કાનપુરમાં દેશના તમામ રાજ્યોના અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે ઈ-કોમર્સ અને GST સહિત દેશના વ્યાપાર સંબંધિત અન્ય ગંભીર મુદ્દાઓ પર રાષ્ટ્રીય ટ્રેડર્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશભરમાં જે ઝડપે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા તે ખૂબ જ ચિંતાનો વિષય છે, તેને જોતા CAITએ આ બે દિવસીય કોન્ફરન્સને મોકૂફ રાખી છે, એવું CAITના મેટ્રોપોલિટન પ્રેસિડેન્ટ અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશન.ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શંકર ઠક્કરે જણાવ્યું હતું.
CAITએ બહાર પાડેલી મિડિયા રિલિઝમાં CAIT ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બી.સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ શ્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે CAIT એ દેશમાં એક મોટી શરૂઆત કરી છે અને હવે અમે કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખીને દેશના તમામ રાજકીય પક્ષો પાસે તેમ કરવાની અપેક્ષા રાખીએ છીએ. રેલી અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરીને આ સમય રાજકીય લાભ મેળવવાનો નથી, પરંતુ દેશના દરેક નાગરિકને કોરોનાથી સુરક્ષિત બનાવવા માટે કામ કરવાનો છે.
