News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અભિયાન ચાલી રહ્યું છે, તેના અનુસંધાનમાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ દેશના વિવિધ રાજ્યોના 75 શહેરોમાં રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું છે અને ઉદ્યમ આધાર હેઠળ 75 લાખ વેપારીઓની નોંધણી કરવાના પ્રયાસ હાથ ધરવાની છે.
CAIT દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલિઝ મુજબ CAIT એ 10મી એપ્રિલથી દરેક શહેરમાં એક સાથે ઝુંબેશ શરૂ કરવા માટે સ્થાનિક વેપાર સંગઠનો સાથે મળીને 75 શહેરો અને વેપારી નેતાઓની 75 ટીમોની ઓળખ કરી છે. તમામ રાજ્યોની રાજધાનીઓ ઉપરાંત અલગ-અલગ રાજ્યોના અગ્રણી શહેરોને ઓળખી કાઢવામાં આવેલા શહેરોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો પારો ઉપર. પેટ્રોલ-ડીઝલમાં આજે પણ વધારો, જાણો ભાવમાં કેટલો વધારો થયો
CAIT ના પદાધિકારીના કહેવા મુજબ અગાઉ વેપારીઓ MSME નો એક ભાગ હતા, પરંતુ માર્ચ 2017માં તેમને MSME ના કાર્યક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારથી CAIT એ MSME હેઠળ વેપારીઓનો સમાવેશ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અંતે કેન્દ્ર સરકારે વેપારીઓનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો હતો. તે મુજબ 7મી જુલાઈ, 2021ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક આદેશ જારી કરીને પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ હેતુ MSME શ્રેણી હેઠળ અને MSME વ્યાખ્યા હેઠળ વેપારીઓનો સમાવેશ કર્યો છે.
CAIT ના પદાધિકારીના કહેવા મુજબ ઉદ્યમ આધાર સાથે નોંધાયેલા વેપારીઓ અન્ય લોન પર વસૂલવામાં આવતા વ્યાજની તુલનામાં ઓછા વ્યાજ દર હેઠળ પ્રાયોરીટી સેક્ટર લેન્ડિંગ હેઠળ બેંકો પાસેથી નાણાકીય લોન મેળવવા માટે સક્ષમ હશે. કોવિડ રોગચાળાને કારણે અને મોટી નાણાકીય તંગીમાંથી પસાર થઈ રહેલા વેપારી સમુદાય માટે તે ચોક્કસપણે મોટી રાહત છે, જે છેલ્લા બે વર્ષમાં ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.
CAIT ના પદાધિકારીના કહેવા મુજબ જો દેશભરના વેપારીઓ આ યોજના હેઠળ નોંધાયેલા છે, તો તેઓ MSME ક્ષેત્રને ઉપલબ્ધ અન્ય ઘણી સુવિધાઓ અને રાહત યોજનાઓનો લાભ મેળવવા માટે પાત્ર છે. આ યોજના હેઠળ, 5 કરોડ રૂપિયા સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓને માઇક્રો એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખવામાં આવશે જ્યારે 5 કરોડથી 75 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓને સ્મોલ, 75 કરોડથી 250 કરોડ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓ મીડીયમ એન્ટરપ્રાઈઝ દરજ્જા હેઠળ આવશે. દેશભરમાંથી કોઈપણ વેપારી MSME ના પોર્ટલની મુલાકાત લઈ શકે છે અને પોતાને ઉદ્યમ અંતગત મફત માં રજીસ્ટર કરાવી શકે છે. CAIT એ નોંધણી સરળતાથી અને અસરકારક રીતે કરાવવા માટે વિવિધ એજન્સીઓ સાથે જોડાણ કર્યું છે.