ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
19 ઓક્ટોબર 2020
ભારતીયમાં સસ્તા અને ઝગમગતા પ્રોડક્ટથી તહેવારોનું માર્કેટ કબ્જે કરનાર ચીનને ચાલુ વર્ષે ભારતની ફેસ્ટિવલ સીઝનમાં જોરદાર પછડાટ મળી છે. કોરોના, સીમા તણાવના પગલે લાગેલા પ્રતિબંધ અને ચીન વિરોધી જુવાળના કારણે ચીન તેનો સસ્તો માલસામાન સમયસર ભારતમાં નિકાસ કરી શક્યું નથી. વેપારીઓ કોરોનાની આર્થિક મંદી છતાં ફેસ્ટિવલ સીઝનમાં માંગ વધવાનો વિશ્વાસ છે. કારણકે લોકો હવે સ્થાનિક ઉત્પાદનોનો વિકલ્પ પસંદ કરી રહયાં છે. ચીનને આ દિવાળી એ વેપારમાં 40 હજાર કરોડનો ફટકો પાડવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.
અત્યાર સુધી ભારતીય તહેવારોની ચમક ચીની ઉત્પાદનો વગર અધૂરી ગણાતી હતી છે. તહેવારની ઉજવણી દરમ્યાન વધતી માંગનો લાભ ભારતીય ઉત્પાદકને મળે તેવી વાતો ઉઠતી હોય છે પણ ખરીદાર તરીકે બજારમાં પહોંચનાર વ્યક્તિ સસ્તા ઉત્પાદનની લાલચમાં ચીની સમાન તરફ વળી જતો હતો. 2-5 રૂપિયાના સ્પાર્કલરથી લઈ ફેન્સી અને ડેકોરેટિવ આઈટમ, ફૂટવેર, ફટાકડા અને અન્ય ઘણી ચીજોનું માર્કેટ ભારતીય ઉત્પાદકો પાસેથી ચીને આંચકી લીધું હતું. દિવાળીની ખરીદીઓ મહિના અગાઉથી શરૂ થઈ જાય છે. હજુ ચીનનો સમાન ભારતીય બજારોમાં ઠલવાયો નથી માટે ચીનને આ વર્ષે બજારમાંથી મોટો ફટકો પાડવાનો છે તે નક્કી મનાઈ રહ્યું છે.
આ દિવાળીએ આશરે 40,000 કરોડ રૂપિયાની ચીજો એકલા ચીનથી આવતી હતી જે હવે નહીં આવે. કોરોના અને ભારત – ચીન વિવાદ હવે ચીનને નડી રહ્યો છે. દિવાળી પર મોટાભાગની વસ્તુઓ ચીનથી આવે છે. દિવાળી પહેલાના મહિનામાં ખરીદીમાં કાપડ, હાર્ડવેર, ફૂટવેર, વસ્ત્રો, રસોડાનાં ઉત્પાદનો, ગિફ્ટની વસ્તુઓ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, ઘડિયાળો, નાની લાઇટની ખરીદીનો સમાવેશ થાય છે. બજારમાં માંગ તો સ્વભાવિક રહેવાની છે. ચીની ઉત્પાદન જોવા પણ નહિ મળે તો ભારતીય ઉત્પાદનોનું વેચાણ આપોઆપ સારું થવાનું છે.
