ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ઑગસ્ટ, 2021
સોમવાર
ઈંધણના વધતા જતા ભાવથી સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારાને કારણે પરિવહન ખર્ચમાં પણ વધારો થયો છે. આ વધારાને કારણે રોજબરોજની વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો કરવાની માગ ચાલી રહી છે. આ દરમિયાન, કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કપાત ન કરવાનું કારણ જણાવ્યું છે.
નાણાપ્રધાન સીતારમણે કહ્યું કે અગાઉની કૉન્ગ્રેસની આગેવાનીવાળી યનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA) સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે 1.44 લાખ કરોડ રૂપિયાના ઑઈલ બૉન્ડ બહાર પાડ્યા હતા. કેન્દ્ર સરકારે UPA સરકાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી ખોટી પદ્ધતિનો ઉપયોગ કરીને ઈંધણના ભાવમાં ઘટાડો કરવાની સખ્ત મનાઈ કરી દીધી છે. UPA સરકારે જારી કરેલા ઑઇલ બૉન્ડનો બોજ મોદી સરકાર પર આવી ગયો છે. એથી જ અમે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકતા નથી.
સાથે જ નાણાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે વર્તમાન સરકાર તેલની કિંમતને ઘટાડવા માટે આ પ્રકારની કોઈ નીતિ નહીં અપનાવે. સીતારમણે જણાવ્યું કે સરકાર દર વર્ષે હજારો કરોડ રૂપિયા ઇન્ટરેસ્ટ તરીકે ચુકવણી કરે છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે ઑઇલ બૉન્ડ પર ફક્ત ઇન્ટરેસ્ટ તરીકે 60 હજાર કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. આટલી ચુકવણી છતાંય 1.30 લાખ કરોડ રૂપિયાની પ્રિન્સિપલ અમાઉન્ટ હજી પણ બાકી છે. એવામાં કેન્દ્ર અને રાજ્યે મળીને આ ઑઇલ બૉન્ડ સાથે મળી ભરવાનો નિર્ણય કરવાનો રહેશે.
આગળ કેન્દ્રીય નાણાપ્રધાન સીતારમણે કહ્યું કે લોકો પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી ચિંતિત છે. લોકો ચિંતા કરે એ યોગ્ય છે. જોકે જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્યો ચર્ચા નહીં કરે ત્યાં સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવા માટે કોઈ ઉકેલ મળશે નહીં. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહિ.
