News Continuous Bureau | Mumbai
India Fiscal Deficit Widens ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬૨૭ (FY27) ના પ્રથમ પાંચ મહિના એટલે કે એપ્રિલથી ઓગસ્ટના સમયગાળા દરમિયાન ભારત સરકારની રાજકોષીય ખાધ (Fiscal Deficit) વધીને ₹૭.૧૦ લાખ કરોડ પર પહોંચી ગઈ છે, જે સમગ્ર વર્ષ માટે નિર્ધારિત કરેલા કુલ બજેટ અંદાજના ૪૧.૯ ટકા જેટલી થાય છે.
India Fiscal Deficit Widens – પ્રથમ પાંચ મહિનામાં ખાધ વધીને ₹૭.૧૦ લાખ કરોડ થઈ
કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ (CGA) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, એપ્રિલથી ઓગસ્ટના પાંચ મહિનામાં સરકારની કુલ આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત એટલે કે રાજકોષીય ખાધ ₹૭,૧૦,૨૪૯ કરોડ નોંધાઈ છે. સરકારે સમગ્ર નાણાકીય વર્ષ માટે જીડીપી (GDP) ના ૪.૩ ટકા એટલે કે ₹૧૬.૯૬ લાખ કરોડની ખાધનો અંદાજ રાખ્યો છે. ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રાજકોષીય ખાધ બજેટ અંદાજના ૩૮.૧ ટકા નોંધાઈ હતી, જેની સરખામણીએ ચાલુ વર્ષે ડેફિસિટ ઝડપથી વધી રહી હોવાનું સ્પષ્ટ થાય છે.
India Fiscal Deficit Widens – કેપેક્સ અને સબસિડી ખર્ચમાં વધારાથી સરકારી ખર્ચ ₹૨૦.૭૮ લાખ કરોડને પાર
ખાધમાં થયેલા આ વધારા પાછળ કેપિટલ એક્સપેન્ડિચર (Capital Expenditure) એટલે કે મૂડીગત ખર્ચમાં થયેલો ડબલ-ડિજિટ ઉછાળો અને સબસિડીનો મોટો બોજ મુખ્ય કારણ મનાય છે. આ સમયગાળા દરમિયાન સરકારનો કુલ ખર્ચ ₹૨૦.૭૮ લાખ કરોડ રહ્યો છે, જે વાર્ષિક બજેટ અંદાજના ૩૮.૯ ટકા છે. ખાતર, ઈંધણ અને ખાદ્ય સુરક્ષા જેવી પ્રમુખ સબસિડીઓ પાછળ ₹૧.૮૭ લાખ કરોડનો ખર્ચ થયો છે. બીજી તરફ સરકારની કુલ આવક ₹૧૩.૬૮ લાખ કરોડ રહી છે, જેમાં નેટ ટેક્સ રેવન્યુ (Net Tax Revenue) ₹૮.૩૮ લાખ કરોડ અને નોન-ટેક્સ આવક ₹૪.૫૫ લાખ કરોડ નોંધાઈ છે.
India Fiscal Deficit Widens – ટેક્સ કલેક્શન ધીમું પડતાં વાર્ષિક ટાર્ગેટ જાળવવો પડકારરૂપ
અર્થશાસ્ત્રીઓ અને રેટિંગ એજન્સીઓના જણાવ્યા મુજબ, પ્રત્યક્ષ અને પરોક્ષ ટેક્સ કલેક્શનની ગતિ અપેક્ષા કરતાં ધીમી રહેવાને કારણે તેમજ ઈંધણ-ખાતરની વધારાની સબસિડીની જરૂરિયાત ઊભી થતાં સમગ્ર વર્ષના બજેટ લક્ષ્યાંક કરતાં ખાધ ₹૧.૩ થી ₹૧.૪ લાખ કરોડ જેટલી વધી જવાનું જોખમ રહેલું છે. જોકે વર્ષના ઉત્તરાર્ધમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા થતી ખર્ચ બચત (Expenditure Savings) અને ફેસ્ટિવ સીઝનમાં ટેક્સ વસૂલાતમાં સુધારો થવાથી આ ખાધને નિયંત્રણમાં રાખવામાં આંશિક સફળતા મળી શકે છે.
