ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જૂન 2021
ગુરુવાર
કોરોના મહામારીને કારણે આખું વિશ્વ ખર્ચા સામે લડી બચત કરવાની હોડમાં છે એવામાં ભારતની સેન્ટ્રલ બૅન્કે રજૂ કરેલા એક રિપૉર્ટમાં કહ્યું છે કે ભારતના હાઉસહોલ્ડ(ઘરગથ્થુ) દેવામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ લોકોની બચતમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા પ્રારંભિક અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના ત્રીજા ત્રિમાસિકગાળામાં ઘરેલુ નાણાકીય બચત સતત બીજા ક્વાર્ટરમાં ઘટીને કુલ ઘરેલુ ઉત્પાદન(GDP)ના ૮.૨% થઈ ગઈ છે. અગાઉના બે ત્રિમાસિકગાળામાં બચત-GDPનો આ રેશિયો અનુક્રમે ૨૧% અને ૧૦.૪% હતો, જે સતત ટોચથી ઘટી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના બીજા ત્રિમાસિકગાળામાં બચત ૮.૧%ની સપાટીએ સ્થિર રહી હતી. નાણાકીય આવક ઘટતાં અને દેવામાં વધારો થતાં લોકોની બચતમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું RBIના રિપૉર્ટમાં જણાવ્યું છે. ઘરેલુ દેવામાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. અમુક પસંદગીનાં નાણાકીય સાધનો પર આધારિત ડેટ ટૂ GDP રેશિયો માર્ચ-૨૦૧૯થી સતત વધ્યો છે. સપ્ટેમ્બર, ૨૦૨૦ના ૩૭.૧%ની સાપેક્ષે ડિસેમ્બર, ૨૦૨૦ના અંતમાં વધીને ૩૭.૯%ના રેકૉર્ડ લેવલે પહોંચ્યો છે.
