News Continuous Bureau | Mumbai
IndiGo છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટ કેન્સલેશન અને મુસાફરોની હાલાકીને કારણે ચર્ચામાં રહેલી ઈન્ડિગો એરલાઈન્સ (IndiGo) ની મુશ્કેલીઓ વધી શકે છે. એવિએશન રેગ્યુલેટર DGCA એ ઈન્ડિગોને તુર્કીની કોરેન્ડન એરલાઈન્સ (Corendon Airlines) પાસેથી લીઝ પર લેવામાં આવેલા ૫ બોઈંગ ૭૩૭ વિમાનો ચલાવવા માટે માર્ચ ૨૦૨૬ સુધીનો જ સમય આપ્યો છે. રેગ્યુલેટરે સ્પષ્ટ કર્યું છે કે આ પછી કોઈ પણ સંજોગોમાં લીઝ વધારવામાં આવશે નહીં.મીડિયા રિપોર્ટ અનુસાર, DGCA એ એક ‘સનસેટ ક્લોઝ’ (Sunset Clause) હેઠળ આ નિર્ણય લીધો છે. ઈન્ડિગોએ પોતે જ અંડરટેકિંગ આપ્યું હતું કે તેમના નવા લોન્ગ રેન્જ એરક્રાફ્ટ (A321-XLR) ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં ડિલિવર થઈ જશે, તેથી તેમને ત્યાં સુધીનો સમય આપવામાં આવે. DGCA એ આ વિનંતી સ્વીકારીને છેલ્લી મુદત માર્ચ ૨૦૨૬ સુધી લંબાવી છે.
શા માટે લેવાયા હતા તુર્કીથી વિમાન?
ગ્લોબલ એવિએશન ઇન્ડસ્ટ્રીમાં વિમાનોની અછત અને એન્જિનની સમસ્યાઓને કારણે ઘણા વિમાનો ગ્રાઉન્ડેડ (સેવા બહાર) થયા હતા. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ઈન્ડિગોએ ‘વેટ લીઝ’ (Wet Lease) ના આધારે વિદેશી કંપનીઓ પાસેથી વિમાનો લીધા હતા. હાલમાં ઈન્ડિગો પાસે ૧૫ વિદેશી એરક્રાફ્ટ છે, જેમાંથી ૭ તુર્કીના છે. તુર્કી સાથેના ભારતના રાજદ્વારી સંબંધો અને પાકિસ્તાન તરફી તેના વલણને કારણે પણ આ લીઝ અંગે અગાઉ વિવાદો થયા હતા.
શું હોય છે ‘વેટ લીઝ’?
જ્યારે કોઈ એરલાઈન વિદેશી કંપની પાસેથી વિમાનની સાથે તેની ક્રૂ (પાઈલટ અને કેબિન ક્રૂ), મેન્ટેનન્સ અને ઈન્સ્યોરન્સ પણ ભાડે રાખે છે, ત્યારે તેને ‘વેટ લીઝ’ કહેવામાં આવે છે. આ એક કામચલાઉ વ્યવસ્થા હોય છે જેથી મુસાફરોને ફ્લાઈટની કમી ન વર્તાય. માત્ર ઈન્ડિગો જ નહીં, સ્પાઈસજેટ (SpiceJet) જેવી કંપનીઓ પણ ૧૭ જેટલા વિદેશી પ્લેન આ જ રીતે ચલાવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Trump Recall US Ambassadors: ટ્રમ્પનો ‘માસ્ટર સ્ટ્રોક’: વિદેશી ધરતી પરથી અમેરિકી રાજદૂતોનું ઘરવાપસીનું ફરમાન, શું બદલાઈ જશે દુનિયા સાથેના સંબંધો?
ઈન્ડિગો પર શું અસર પડશે?
જો ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં ઈન્ડિગોને તેના નવા એરબસ વિમાનોની ડિલિવરી નહીં મળે, તો માર્ચ પછી એરલાઈનના શિડ્યુલ પર માઠી અસર પડી શકે છે. DGCA ના કડક વલણને જોતા એરલાઈને હવે તેની ક્ષમતા વધારવા માટે નવા વિકલ્પો શોધવા પડશે. ઈન્ડિગોના સીઈઓએ તાજેતરમાં એક ઈમોશનલ મેસેજમાં કહ્યું હતું કે ‘ખરાબ સમય વીતી ગયો છે’, પરંતુ DGCA ના આ નવા આદેશે ફરી ચિંતા વધારી છે.
