News Continuous Bureau | Mumbai
નાણાકીય વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. આ વર્ષે આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. હવે આઇટીઆર ભરવા માટે માત્ર 20-25 દિવસ બાકી છે, તેથી જેમણે હજુ સુધી આઇટીઆર ભર્યું નથી તેમણે વહેલી તકે ભરી દેવું જોઈએ. જોકે, હવે ટેક્સ ભરવાની સમયમર્યાદા વધુ લંબાવવામાં આવી શકે છે.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) અને દેશના અનેક કર નિષ્ણાતોએ સરકારને આ અંગે વિનંતી કરી છે. તેમણે આઇટીઆર ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવવા વિનંતી કરી છે, કારણ કે તેમનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિમાં કરદાતાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સમયસર આઇટીઆર ફાઇલ કરી શકશે નહીં.
સમયમર્યાદા વધારવાની માંગ કેમ?
જીસીસીઆઈએ સીડીબીટી (કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ) ને પત્ર લખીને જણાવ્યું છે કે કરદાતાઓ અને વ્યવસાયિકોને અનેક વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે આઇટીઆર ફાઇલ કરવાની સમયમર્યાદા વધારવી જોઈએ. આ પાંચ મુખ્ય કારણો નીચે મુજબ છે:
આઇટીઆર યુટિલિટીઝ અને ફોર્મ્સ મોડાં રજૂ થવા.
સિસ્ટમમાં તકનિકી સમસ્યાઓ અને લોગિન કરવામાં મુશ્કેલીઓ.
ફોર્મ 26AS, AIS, TIS અપડેટ કરવામાં સમસ્યાઓ.
નવા નાણાકીય ફોર્મેટ લાગુ કરવામાં વિલંબ.
ઓગસ્ટથી નવેમ્બર સુધીના તહેવારોની અસર.
જીસીસીઆઈએ બિન-ઓડિટ આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર કરવાની ભલામણ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Usha Nadkarni: મારો દીકરો મારી સાથે રહેતો નથી…; 79 વર્ષની ઉંમરે ઉષા નાડકર્ણી એ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહી આવી વાત
અગાઉ પણ વધારાઈ હતી સમયમર્યાદા
આ વર્ષે પહેલીવાર આઇટીઆર ફાઇલ કરવાની સમયમર્યાદા વધારવામાં આવી હતી. અગાઉ આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. આ અંગે સીબીડીટીએ જણાવ્યું હતું કે, આઇટીઆર ફોર્મ અને તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેના કારણે આઇટીઆર ફાઇલ કરવા માટે ઓછામાં ઓછો સમય લાગશે. આ જ કારણોસર સમયમર્યાદા લંબાવવામાં આવી હતી.