ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
14 ઓક્ટોબર 2020
મુંબઈ: સપ્ટેમ્બર 2020 માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે કે રિલાયન્સ જિયો 4Gની સરેરાશ ડાઉનલોડ સ્પીડમાં પહેલા સ્થાને રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં જિયો દ્વારા 19.3 Mbpsની સરેરાશ સ્પીડ હાંસલ કરવામાં આવી હતી, જે ઓગસ્ટ 2020ની 15.9 Mbpsની સ્પીડ કરતાં ઘણી વધારે છે.
દર મહિને સૌથી વધુ સરેરાશ ડાઉનલોડ સ્પીડ નોંધાવનાર રિલાયન્સ જિયો સતત ત્રણ વર્ષથી સૌથી વધુ ઝડપ આપનાર 4G ઓપરેટર બન્યું છે. ટ્રાઇ દ્વારા જારી કરાયેલા ડેટા મુજબ ભારતી એરટેલનું પ્રદર્શન નજીવું સુધર્યું છે, જેણે ઓગસ્ટની 7.0 Mbps સ્પીડમાં થોડો વધારો નોંધાવી સપ્ટેમ્બરમાં 7.5 Mbpsની સ્પીડ નોંધાવી છે.
વોડાફોન અને આઇડિયાએ તેમના બિઝનેસનું મર્જર કર્યું હોવા છતાં ટ્રાઇ દ્વારા તેમના પ્રદર્શનના આંકડા અલગ-અલગ જાહેર કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બરમાં વોડાફોને સરેરાશ ડાઉનલોડ સ્પીડ 7.9 Mbps નોંધાવી છે, જે ઓગસ્ટ મહિનામાં 7.8 હતી અને તે નજીવો વધારો દર્શાવે છે.
આઈડિયાએ પણ સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 8.6 Mbps નોંધાવી છે, જે ઓગસ્ટ મહિનામાં 8.3 Mbps હતી. જ્યારે અપલોડ સ્પીડમાં સૌથી વધુ 6.5 Mbpsની સ્પીડ વોડાફોને નોંધાવી હતી, જે ઓગસ્ટ મહિનામાં 6.2 Mbps હતી.
સપ્ટેમ્બરમાં આઈડિયાની સરેરાશ અપલોડ સ્પીડ 6.4 Mbps હતી. જ્યારે એરટેલ અને જિયોની અપલોડ સ્પીડ એકસરખી 3.5 Mbps નોંધાઈ છે. રિયલ ટાઇમ બેસિસ પર માયસ્પીડ એપ્લિકેશનની મદદથી એકત્ર કરવામાં આવેલા ડેટાના આધારે ટ્રાઇ સરેરાશ સ્પીડની નોંધણી કરે છે.