ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 ઓક્ટોબર 2020
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આજે નાણાં નીતિ જાહેર કરવામાં આવી હતી અને કોરોના મહામારી ના સંકટ કાળમાં રિઝર્વ બેન્ક દ્વારા આમ આદમીને કોઈ રાહત અપાઈ નથી અને ઈએમઆઈ ઘટી જશે તેવી આશા ઠગારી નીવડી છે. રિઝર્વ બેંકની પેનલ દ્વારા વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી અને રેપો રેટ 4 ટકા પર તેમજ રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત્ રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી એવી આશા રાખવામાં આવી રહી હતી કે રિઝર્વ બેંક દ્વારા લોકોને રાહત આપવામાં આવશે અને ખાસ કરીને આમ આદમીને ઇએમઆઇ માં રાહત મળશે પરંતુ એવું કશું થયું નથી. અત્યારે મોંઘવારી ચિંતાજનક લેવલ પર છે ત્યારે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે માર્ચના ત્રિમાસિક ગાળામાં જીડીપી પોઝિટિવ બની જશે કારણ કે અત્યારે જે આર્થિક આંકડા આવ્યા છે તેનાથી સારો સંકેત મળી રહ્યો છે. તેવી જ રીતે ગ્લોબલ ઇકોનોમીમાં પણ રિકવરીના સંકેતો મળી રહ્યા છે અને ઉત્પાદન ક્ષેત્રમાં તેજી આવી છે તે જ રીતે રિટેલ વેચાણમાં પણ અનેક દેશોમાં વધારો થયો છે અને ભારતમાં પણ રિટેલ વેચાણની ગાડી પાટે ચડી રહી છે.
ગવર્નરે વધુમાં કહ્યું હતું કે દેશમાં હવે માંગ વધી રહી છે અને લોકો ખરીદી તરફ પાછા વળ્યા છે તેજ રીતે એક્સપોર્ટ માં પણ સારો એવો વધારો નોંધાયો છે અને તેમાં પણ સુધારાના સંકેતો મળ્યા છે. અત્યારે દેશના લગભગ દરેક સેક્ટરમાં પરિસ્થિતિ સુધરેલી દેખાઈ રહી છે પરંતુ મોંઘવારી ચિંતાજનક છે.