ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 જુલાઈ 2021
સોમવાર
મહારાષ્ટ્ર સરકારના પ્રતિબંધોને પગલે હવે ખેડૂતોની માફક વેપારી વર્ગ માટે પણ આત્મહત્યાની નોબત આવી ગઈ છે. છેલ્લા દોઢ વર્ષથી લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે વેપારી વર્ગ બરબાદીને આરે પહોંચી ગયો છે. હવે અમે જીવ્યા તો પ્રતિબંધોની પાલન કરશું પણ અમારું અસ્તિત્વ જ જોખમમાં આવી ગયું છે. સરકારે અમારી પાસે આત્મહત્યાનો જ પર્યાય બાકી રહ્યો છે એવો આક્રોશ દાદરના વેપારીઓએ વ્યકત કર્યો છે.
આજે સવારના દાદરમાં વ્યાપારી સંઘના નેજા હેઠળ વેપારીઓએ દાદરમાં પ્લાઝા થિયેટર સામે રસ્તા પર ઉતરીને સરકારની ભેદભાવભરી નીતિ, મુંબઈ મહાનગરપાલિકા અને પોલીસની દમનભરી નીતિ સામે વિરોધપ્રર્દશન કર્યા હતા. દાદર વ્યાપારી સંઘના સેક્રેટરી હરીશ શાહે ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે મુંબઈના અમુક વિસ્તારોમાં શનિવાર, રવિવાર જ નહીં પણ બાકીના દિવસોમાં પણ આખો દિવસ દુકાનો ખુલ્લી હોય છે. તો સરકારના પ્રતિબંધોનું પાલન ફકત દાદરના વેપારીઓએ કરવાનું છે? ફકત દાદરના વેપારીઓ પર દાદાગીરી ચાલી રહી છે. અમારે વેપાર કરવો અને અસ્તિત્વ ટકાવું મુશ્કેલ થઈ ગયું છે. અમારો ધંધો ખતમ થઈ ગયો છે. છતાં સતત અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અમે કાયદેસર રીતે વીકએન્ડમાં દુકાન ખુલ્લી રાખવાની મંજૂરી માગીએ છીએ. તેમ જ વીકએન્ડમાં સાંજે મોડે સુધી દુકાન ખુલ્લી રાખવાની મંજૂરી માંગી રહ્યા છે. પરંતુ અમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. સરકારે હવે અમારી માગણી સ્વીકારી નહીં તો હવે અમારી પાસે કરો યા મરોની જ નીતિ બાકી રહી છે.
અમારી પાસે હવે ફકત આત્મહત્યાનો જ ઉપાય બચ્યો છે એવું બોલતા દાદર વ્યાપારી સંઘના સભ્ય દીપક દેવરુખે ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે દાદરના તમામ વેપારીઓ સરકારના નિયમોનું પાલન કરી રહ્યા છે. છતાં નિયમનું ઉલ્લંધન કરી રહ્યા હોવાનું કહીને અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અઠવાડિયા પાંચ દિવસ સાંજે ચાર વાગ્યા સુધી કેવી રીતે ધંધો કરવો? દોઢ વર્ષમાં આર્થિક રીતે ભાંગી ગયા છે. અત્યાર સુધી બચત પર ધંધો કર્યો છે. કમાણી નથી તેની સામે પગાર આપવાનો, ટેક્સ ભરવાનો જેવા ખર્ચા ઊભા છે. હવે ધંધો જ નહીં પણ અમારું અસ્તિત્વ પણ જોખમમાં આવ્યું છે. જે રીતે ખેડૂતો આર્થિક રીતે પાયામાલ થઈ જાય છે અને તેમની પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. એવી જ હાલત આજે અમારા વેપારી વર્ગની થઈ ગઈ છે. વેપારીઓ આત્મહત્યા કરે એની જ સરકાર કદાચ રાહ જોઈ રહી છે ત્યાં સુધી સરકાર જાગશે નહીં એવું અમને લાગે છે.
જે પ્રતિબંધ પાળે છે એને જ સતાવવામાં આવે છે એવું બોલતા દીપક દેવરુખે કહ્યું હતું કે મુંબઈના 16થી 17 પોકેટ એરિયા એવા છે જ્યાં અઠવાડિયાના સાતેય દિવસ આખો દિવસ દુકાન ખુલ્લી રહે છે. જેમાં પોલીસ મુખ્યાલયની સામે આવેલા ક્રાર્ફડ માર્કેટ, મોહમ્મદ અલી રોડ, બહેરામપાડા, લિંકિંગ રોડ, ઈર્લા માકેર્ટ, આલ્ફા માર્કેટ, ગોવંડી, કુર્લા, ચેંબુર જેવા અમુક ડોમિનેટેડ વિસ્તારમાં આવેલી દુકાનો સાતેય દિવસ સાંજે ચાર વાગ્યા બાદ પણ ખુલ્લી રહે છે. છતાં સરકાર, પોલીસ અને પાલિકા તેમની તરફ આંખ મીચી રહી છે. શું તેમને અહીંથી હપ્તા મળી રહ્યા છે?
આટલા વર્ષ અમે સરકારને સપોર્ટ આપ્યો હવે તેમનો વારો છે એવી ભાવના વિરોધપ્રર્દશન કરનારા વેપારીઓએ એકમતે વ્યકત કરી હતી. સંઘ સાથે જોડાયેલા અગ્રણી વેપારીએ કહ્યું હતું કે અમે મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો કે આવી ભેદભાવભરી નીતિ બંધ કરે. વેપારીઓ બહુ સહન કર્યું છે. છતાં સરકારને સપોર્ટ કર્યો છે. વેપારીઓ નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાના ખોટો આરોપ કરીને દાદરના વેપારીઓને રંજાડવામાં આવે છે. વેપારીઓ દુકાનો ખુલ્લી રાખવા માટે હપ્તા આપતા હોવાનો આરોપ કરીને તો ઈનડાયરેકટલી પોલીસ, પાલિકા અને સરકાર નિષ્ફળ ગઈ હોવાનું જ સાબિત કરી રહ્યા છે.
દાદર વ્યાપારી સંઘ સાથે જોડાયેલા અન્ય વેપારીએ કહ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષના પ્રતિબંધોમાં હાલત એટલી ખરાબ થઈ ગઈ છે, કે વેપારીઓ ધંધો નથી. તેથી દુકાનો વેચવા માંગે છે. પરંતુ બજારમાં કોઈ ખરીદી કરનારો પણ નથી. હાલ 30થી 35 ટકા દુકાનો, પ્રીમાઈસીસી અને ઓફિસો ભાડા પર છે પરંતુ પ્રતિબંધોને કારણે બંધ છે. તેની માટે પ્રોપર્ટી ટેક્સથી અનેક પ્રકારના વેરા ભરવામાં આવી રહી છે. જે બંધ હોવાથી પરવડતું નથી પણ ગ્રાહક જ ન હોવાથી તે વેચી પણ શકાતા નથી.
મહારાષ્ટ્ર સરકારે લાદેલા પ્રતિબંધો વિરુદ્ધ દાદરના વેપારીઓએ રસ્તા પર ઉતરી આક્રોશ વ્યક્ત કર્યો. જુઓ વિડીયો#Maharashtra #Maharashtragovt #covid19 #covidcurbs #lockdown #traders #business #Mumbai #Dadar #protest pic.twitter.com/b9XcQNtDlP
— news continuous (@NewsContinuous) July 12, 2021