ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,15 જૂન 2021
મંગળવાર
મુંબઈમાં ઑક્સિજન બેડ ઑક્યુપેન્સી રેટ અને કોરોના પૉઝિટિવિટી રેટ ઘટી ગયો છે. મુંબઈ લેવલ 2માં આવી ગયું છે. છતાં મુંબઈ મહાનગરપાલિકા મુંબઈને હજી સુધી લેવલ 2માં લાવવા તૈયાર નથી. બંધારણ મુજબ કમાવવાનો વેપારીઓનો મૂળભૂત અધિકાર છે. વેપારીઓની સહનશીલતાની કેટલી પરીક્ષા લેશો? મુંબઈમાં પરિસ્થિતિમાં સુધારો છે. વેપારીઓને પણ રાહત આપો. એથી વેપારીઓ પણ સર્વવાઈ કરી શકે એવી માગણી કરતો પત્ર મુંબઈ તથા રાજ્યના ટ્રેડર્સ તેમ જ ઇન્ડસ્ટ્રીની એપેક્સ બૉડી ઑફ ચેમ્બર ઑફ ઍસોસિયેશન ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (CAMIT)એ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તેમ જ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલને લખ્યો છે.
મુંબઈ સહિત મહારાષ્ટ્ર કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવી રહ્યું છે. રાજ્યનાં અનેક શહેરોમાં મોટા પ્રમાણમાં રાહત આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં શહેરો અને જિલ્લાઓને લૉકડાઉનમાં રાહત આપવામાં આવી રહી છે. ઑક્સિજન બેડ ઑક્યુપેન્સી રેટ અને પૉઝિટિવિટી રેટના આધારે તમામ નિયંત્રણમાં રાહત આપવામાં આવી રહી છે. દર અઠવાડિયે એનો રિવ્યુ કરીને જે-તે શહેરોને લેવલમાં મૂકવામાં આવે છે. એ મુજબ મુંબઈ ગયા અઠવાડિયામાં જ લેવલ-2માં આવી ગયું છે. છતાં મુંબઈ મહાનગરપાલિકા મુંબઈને લેવલ 2માં લાવવા માગતી નથી. પાલિકા હજી થોડો સમય મુંબઈમાંથી કોઈ નિયંત્રણ હળવાં કરવા માગતી નથી. એથી લેવલ 3 હેઠળ વેપારીઓને સાંજના ચાર વાગ્યે દુકાનો બંધ કરી દેવી પડે છે. શનિવાર તથા રવિવારે દુકાનો બંધ રાખવી પડે છે. મૉલને ખોલવાની મંજૂરી આપી નથી. આવા અનેક પ્રકારનાં નિયંત્રણો વેપારીઓને સહન કરવા પડી રહ્યાં છે. હવે જ્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે તો વેપારી વર્ગ પર આટલો બધો પ્રતિબંધ કેમ? એવી નારાજગી વેપારી વર્ગે વ્યક્ત કરી છે. તેમ જ મુંબઈમાં વેપારીઓને રાહત આપતી માગણી કરતો પત્ર પણ CAMIT દ્વારા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને તેમ જ પાલિકા કમિશનર ઇકબાલસિંહ ચહલને લખવામાં આવ્યો છે.
CAMITના સેક્રેટરી મિતેશ મોદીએ જણાવ્યું હતું કે ભારતીય બંધારણ મુજબ દરેક ભારતીયને જીવવાનો તથા કમાવાનો અધિકાર છે. અમે ફક્ત અમારા મૂળભૂત અધિકાર હેઠળ કમાવાની મંજૂરી આપો એવી જ માગણી કરી રહ્યા છીએ. સરકારે અનલૉક માટે જાહેર કરેલી નિયમાવલી મુજબ મુંબઈ લેવલ 2માં આવે છે. તો એ મુજબ મુંબઈને એમાં મૂકીને છૂટછાટ આપવામાં આવે એવી માગણી કરતો પત્ર અમે મુખ્ય પ્રધાન તથા પાલિકા કમિશનરને લખ્યો છે.
મિતેશ મોદીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં લાદવામાં આવેલા તમામ પ્રતિબંધ દરમિયાન અમે સતત સરકારને અને પાલિકાને સહકાર આપ્યો છે. હવે જ્યારે પરિસ્થિતિમાં સુધારો છે, મુંબઈની આજુબાજુનાં શહેરોમાં પ્રતિબંધ હળવા કરવામાં આવ્યા છે, તો પછી મુંબઈમાં ઑક્સિજન બેડ ઑક્યુપેન્સી રેટ અને પૉઝિટિવિટી રેટ લેવલ 2માં હોવા છતાં મુંબઈના વેપારીઓને કેમ રાહત આપવામાં આવતી નથી? લેવલ 2 હેઠળ તમામ દુકાનો તથા મૉલને ખુલ્લાં રાખવાની મંજૂરી છે. પાલિકાને એમ લાગે છે કે આખો દિવસ દુકાનો ખુલ્લી રાખવાથી એમાં ભીડ થશે અને એને કારણે કોરોના ફેલાશે, પણ હકીકતમાં રસ્તા પર બેઠેલા ફેરિયાઓને કારણે ભીડ થાય છે અને કોરોના ફેલાવાનું જોખમ તેમને કારણે વધારે છે એના પર સરકાર અને પાલિકા કેમ ધ્યાન આપતી નથી?
મુંબઈમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે ત્યારે ફરીથી મુંબઈ ચોથા-પાંચમા લેવલમાં જતું ના રહે એની ચિંતા અમને પણ છે એવું બોલતાં મિતેશ મોદીએ જણાવ્યું કે “મુંબઈમાં હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. લેવલ 2માં આખો દિવસ દુકાનો ખુલ્લી રાખવાની તથા મૉલ- થિયેટર, લોકલ ટ્રેન તમામ પ્રકારની છૂટ આપવામાં આવી છે, પરંતુ પાલિકાને આ છૂટછાટોને કારણે ફરી કોરોના ફેલાવાનું જોખમ લાગતું હોય તો ઍટલિસ્ટ લેવલ –2 હેઠળ આવતી તમામ છૂટછાટો નહીં આપો, પરંતુ અમુક પ્રકારની છૂટછાટ તો પાલિકા આપી શકે છે, જેમાં ચાર વાગ્યા સુધીને બદલે દુકાનો આખો દિવસ ખુલ્લી રાખવાની મંજૂરી આપી શકે છે. રસ્તા પરના ફેરિયાઓ ગેરકાયદે રીતે પાલિકાની રહેમ હેઠળ છે. તેમના કારણે કોરોના ફેલાવાનું જોખમ વધારે છે તો તેમને ખુલ્લા મેદાનમા અથવા પાલિકાની બંધ રહેલી સ્કૂલના મેદાનમા જગ્યા આપી દેવી જોઈએ. જેથી રસ્તા પર ભીડ ઓછી થશે. પાલિકાને જો એમ લાગતું હોય તો લોકલ ટ્રેનને કારણે કોરોનાનું જોખમ વધુ છે, તો હજી થોડા સમય માટે લોકલ ટ્રેનમાં મંજૂરી નહીં આપો, પણ આંકડાને જોતા મુંબઈને લેવલ 2માં રાખીને વેપારીઓને 80 ટકા સુધીની તો છૂટછાટ આપો.”
સુચેતા દલાલના એક ટ્વીટથી અદાણી ગ્રુપને એક લાખ કરોડનો ફટકો પડ્યો; જાણો શું છે સમગ્ર મામલો
પાલિકા મુંબઈમાં કોરોનાના આંકડામાં હજી ઘટાડો ઇચ્છે છે એવું બોલતાં મિતેશભાઈએ કહ્યું હતું, ‘કાનો બંધ રહેવાથી કોરોના સંપૂર્ણપણે નાબૂદ થવાનો નથી. પાલિકા મુંબઈમાં કોરોનાના 100-200 પર આંકડો આવે ત્યાં સુધી તમામ છૂટછાટોમાં રાહત આપવા માટે રાહ જોઈ રહી છે, તો પછી રાજ્ય સરકારના પૉઝિટિવિટી રેટ અને ઑક્સિજન બેડ ઑક્યુપેન્સી રેટનો મતલબ શું છે? અમે મુખ્ય પ્રધાન અને BMCને પત્ર લખીને એક જ વિનંતી કરી છે કે વેપારીઓ સાથે વધુ અન્યાય કરો નહીં અને અમને પણ જીવવા દો.”
