News Continuous Bureau | Mumbai
Vande Bharat Sleeper વંદે ભારત સ્લીપર ટ્રેનની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. હાલમાં 16 કોચ સાથે દોડતી આ ટ્રેનમાં મુસાફરોનો ધસારો એટલો છે કે ટિકિટ બુકિંગ શરૂ થતાની સાથે જ મિનિટોમાં ટ્રેન ફૂલ થઈ જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે રેલવે હવે 24 કોચવાળી વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર કરી રહી છે. આ વંદે ભારત શ્રેણીની પ્રથમ ટ્રેન હશે જેમાં આટલી મોટી સંખ્યામાં કોચ લગાવવામાં આવશે. રેલવે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, 24 કોચવાળી આ ટ્રેનનું નિર્માણ ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) માં ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ કરવામાં આવશે. હાલની 16 કોચની ટ્રેનમાં 823 બર્થ હોય છે, જ્યારે 24 કોચની નવી ટ્રેનમાં બર્થની સંખ્યા વધીને 1,224 થઈ જશે. આનાથી વધુમાં વધુ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળી શકશે.
ક્યારે આવશે પહેલી ટ્રેન અને શું હશે કોચનું માળખું?
રેલવે આ નવી ટ્રેનનો ડિઝાઇન પ્લાન તૈયાર કરી રહી છે. અપેક્ષા રાખવામાં આવી રહી છે કે પ્રથમ પ્રોટોટાઇપ ટ્રેન વર્ષ 2026 ના અંત સુધીમાં તૈયાર થઈ જશે. આ ટ્રેનમાં કોચનું વિભાજન નીચે મુજબ હશે:
17 કોચ: AC 3-Tier (થર્ડ એસી)
5 કોચ: AC 2-Tier (સેકન્ડ એસી)
1 કોચ: AC First Class (ફર્સ્ટ એસી)
1 કોચ: AC Pantry Car (પેન્ટ્રી કાર)
‘પુષ્પક વિમાન’ જેવી આધુનિક સુવિધાઓ
નવી વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ મળશે. તેમાં આરામદાયક બર્થ, દરેક મુસાફર માટે સેપરેટ રીડિંગ લાઈટ, મોબાઈલ અને લેપટોપ ચાર્જિંગ પોઈન્ટ્સ, વાઈફાઈ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને વેક્યૂમ ટોઈલેટ્સ (Vacuum Toilet) હશે. આ ઉપરાંત, દિવ્યાંગ મુસાફરો માટે ખાસ રેમ્પ અને સ્પેશિયલ ટોઈલેટની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ટ્રેનનો ઈન્ટિરિયર લૂક કોઈ લક્ઝરી હોટેલ જેવો આધુનિક હશે.
આ સમાચાર પણ વાંચો: Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ઓલ-ટાઇમ હાઈ તેજી, ચાંદી ₹4 લાખ પ્રતિ કિલો અને સોનામાં પણ તોતિંગ વધારો, આ રહ્યા આજના લેટેસ્ટ ભાવ
ઝડપ અને ટેકનોલોજીમાં પણ હશે અવ્વલ
આ ટ્રેન માત્ર સુવિધાઓમાં જ નહીં, પરંતુ ઝડપમાં પણ તેજસ અને રાજધાનીને ટક્કર આપશે. તેની મહત્તમ ઝડપ 160 કિમી/કલાક (160 kmph) હશે. તેમાં એડવાન્સ્ડ એન્જિન અને કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવશે. આ ઉપરાંત, રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી વીજળીની મોટી બચત થશે. લાંબા અંતરની મુસાફરી કરતા લોકો માટે આ ટ્રેન ગેમ ચેન્જર સાબિત થશે.
