ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઓક્ટોબર, 2021
રવિવાર.
ટાટા ગ્રૂપ કેટલું મોટું છે?
ભલે તમે રણપ્રદેશમાં હોવ અથવા પર્વતો પર, ગામમાં હોવ કે શહેરમાં, તમને ચોક્કસપણે તમારી આસપાસ ટાટા ગ્રૂપની કંઈક ને કંઈક વસ્તુ તો જોવા મળશે જ. ટાટા ગ્રૂપ એક એવું ગ્રૂપ છે કે જેની ખાસિયત એ છે કે તે દરેક વસ્તુની સાથે જોડાયેલું છે. એની પહોંચ ગરીબથી અમીર સુધીની છે. દેશમાં ભાગ્યે જ એવું કોઈ ઘર છે જ્યાં ટાટાનું કશું હાજર ન હોય. ટાટા ગ્રૂપના બિઝનેસમાં અન્ય એક રત્ન જોડાયું છે. ખાનગી ક્ષેત્રનો સૌથી મોટો સંરક્ષણ (ડિફેન્સ) સોદો રતન ટાટા પાસે આવી ગયો છે. ભારત સરકારે 56 'C-295' પરિવહન વિમાનોની ખરીદી માટે સ્પેનની ઍરબસ ડિફેન્સ અને સ્પેસ સાથે લગભગ 21,000 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. સોદા હેઠળ ઍરબસ ડિફેન્સ ઍન્ડ સ્પેસ અને ટાટા ઍડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) સંયુક્ત રીતે 'C-295' મિલિટરી ટ્રાન્સપૉર્ટ ઍરક્રાફ્ટ બનાવશે.
ટાટા ગ્રૂપ દેશમાં અને વિશ્વભરમાં 10 ક્લસ્ટરોમાં 30 કંપનીઓ સાથે કામ કરે છે. એનો વ્યવસાય 100 દેશોમાં ફેલાયેલો છે. જૂથની મુખ્ય હોલ્ડિંગ કંપની અને ટાટા કંપનીઓના પ્રમોટર ટાટા સન્સ છે. ચાલો જાણીએ કે 10 ક્લસ્ટરમાં 30 કંપનીઓની મદદથી ટાટા જૂથ કેટલું ફેલાયેલું છે.
કન્ઝ્યુમર અને રીટેલ
કન્ઝ્યુમર અને રીટેલમાં ટાટા ગ્રુપની કંપનીઓ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સથી માંડીને ચા અને પૅકેજ્ડ પાણી સુધીના વ્યવસાય સાથે સંકળાયેલી છે. ટાટા કેમિકલ્સ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, વોલ્ટાસ, ટાઇટન, ઇન્ફિનિટી રીટેલની ક્રોમા બ્રાન્ડ, ટ્રેન્ટનું સ્ટાર બજારના નામ અગ્રણી છે. ટ્રેન્ટની મુખ્ય બ્રાન્ડ્સમાં વેસ્ટસાઇડ, ઝૂડિયો, લૅન્ડમાર્કનો સમાવેશ થાય છે. તનિષ્ક ટાઇટનની જ્વેલરી બ્રાન્ડ છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સની વાત કરીએ તો ટાટા ટી, ટાટા નમક, ટાટા સંપન્ના બ્રાન્ડ્સ આ છત્ર હેઠળ આવે છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ભારતમાં 2 મિલિયનથી વધુ ઘરોની પહોંચ ધરાવે છે. આ ગ્રૂપ આ સેગમેન્ટમાં મીઠું, ચા, કૉફી, કઠોળ, મસાલા, રેડી ઇટ ફૂડ, પાણી વગેરે વેચે છે. સ્ટારબક્સ સાથે મળીને કંપની ટાટા સ્ટારબક્સ નામનું જૉઇન્ટ વેન્ચર ચલાવે છે.
ઇન્ફર્મેશન ટેક્નોલૉજી
IT સેવાઓમાં, ટાટા ગ્રૂપ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ની મદદથી કાર્ય કરે છે. TCSની આગેવાની હેઠળ ગ્રૂપની IT કંપનીઓ સમગ્ર વિશ્વમાં કાર્યરત છે. ટાટા ગ્રૂપના અડધાથી વધુ કર્મચારીઓ TCS સાથે સંકળાયેલા છે. એ સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટેડ છે અને માર્કેટ કૅપ દ્વારા ભારતની બીજી સૌથી મોટી કંપની છે. ટાટા ગ્રૂપની ટાટા Elxsi ડિઝાઇન અને ટેક્નોલૉજી સેવાઓની વિશ્વની અગ્રણી કંપનીઓમાંની એક છે.
ઑટોમોટિવ
ઑટોમોટિવ ક્ષેત્રમાં ટાટા મોટર્સનું નામ કોણ નથી જાણતું? ટાટા મોટર્સ પૅસેન્જર વાહનોથી લઈને વ્યાપારી વાહનો અને સંરક્ષણ વાહનો સુધી બધું જ બનાવે છે. ટાટા મોટર્સની પેટાકંપની જેગુઆર લૅન્ડ રોવર (JLR) UKની સૌથી મોટી ઑટોમોટિવ મૅન્યુફેક્ચરર છે. ભારત સિવાય ટાટા મોટર્સ UK, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને ઇન્ડોનેશિયામાં પણ કાર્યરત છે. ટાટા મોટર્સે હવે ઇલેક્ટ્રિક વાહનોમાં પણ પ્રવેશ કર્યો છે. ભારતમાં તેની કારમાં ટાટા નેક્સન, ટાટા નેક્સન EV, ટાટા સફારી, અલ્ટ્રોઝ વગેરેનો સમાવેશ થાય છે. ટાટા ઑટોકોમ્પ સિસ્ટમ્સ ઑટોમોબાઇલ ઘટકો અને એન્જિનિયરિંગ સેવાઓના અગ્રણી સપ્લાયર છે.
સ્ટીલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ભારતમાં ટાટા સ્ટીલ ઑટોમોટિવ સ્ટીલ, ઍગ્રિકલ્ચરલ સ્ટીલ, કન્સ્ટ્રક્શન સ્ટીલ, હૅન્ડ ટૂલ્સ, સ્ટીલ પાઇપ્સ, રો મટીરિયલ્સ, ફેરો એલોય્સ, બેરિંગ્સ, પ્રિસિઝન ટ્યૂબ વગેરે જેવાં ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ટાટાની વાર્તા આઝાદી પહેલાંથી શરૂ થઈ હતી. આજે ગ્રૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને રિયલ્ટી સેક્ટરમાં મોટું નામ છે. આ ક્ષેત્રમાં કાર્યરત ગ્રૂપ કંપનીઓ ટાટા પાવર, ટાટા પ્રોજેક્ટ્સ, ટાટા હાઉસિંગ, ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ, ટાટા રિયલ્ટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે.
ફાઇનાન્શિયલ સેવાઓ
ટાટા ગ્રૂપે ન્યૂ ઇન્ડિયા એશ્યોરેન્સ દ્વારા 1919માં ફાઇનાન્શિયલ સેવાઓમાં પ્રવેશ કર્યો હતો. 1956માં કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. હાલમાં ટાટા કૅપિટલ ફાઇનાન્શિયલ સેવાઓમાં ટાટા ગ્રૂપની મુખ્ય કંપની છે. એ નૉન-બૅન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે. વીમા ક્ષેત્રમાં ટાટા ગ્રૂપ AIA અને AIG સાથે જૉઇન્ટ વેન્ચરથી જોડાયેલું છે, જેમ કે ટાટા AIA લાઇફ અને ટાટા AIG. આ ઉપરાંત ટાટા એસેટ મૅનેજમેન્ટ કંપની મ્યુચ્યુઅલ ફંડ્સ, પોર્ટફોલિયો મૅનેજમેન્ટ સર્વિસીસ, અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ અને ઓફશોર ફંડ્સ ઑફર કરે છે.
ટૂરિઝમ અને ટ્રાવેલ્સ
ટાટા ગ્રૂપ 1903થી ટ્રાવેલ, હૉસ્પિટલિટી અને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલું છે. તાજમહેલ હૉટેલની સ્થાપના 1903માં થઈ હતી. હૉટેલ ઇન્ડસ્ટ્રીમાં, ટાટા ગ્રૂપ ઇન્ડિયન હૉટેલ્સ કંપની દ્વારા કાર્ય કરે છે. ટાટા ગ્રૂપે જ ટાટા ઍરલાઇન્સ નામથી ઍર ઇન્ડિયા શરૂ કરી છે. 1956માં ઍર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું અને તે સરકારના કાર્યક્ષેત્રમાં આવી હતી. હવે ઍર ઇન્ડિયા ફરી એક વાર ટાટાની બની જશે. ટાટા SIA ઍરલાઇન્સ, સિંગાપોર ઍરલાઇન્સ અને ટાટા વચ્ચે જૉઇન્ટ વેન્ચર છે. આ ગ્રૂપ ઍર એશિયા સાથે જૉઇન્ટ વેન્ચરથી ઍર એશિયા ઇન્ડિયા મારફતે વિમાનસેવાઓ પણ પ્રદાન કરી રહ્યું છે.
ટેલિકોમ અને મીડિયા
ટાટા ગ્રૂપ ટાટા કૉમ્યુનિકેશન્સ, ટાટા સ્કાય અને ટાટા ટેલિસર્વિસીસ દ્વારા આ ક્ષેત્રમાં કાર્યરત છે. વિશ્વની 70 ટકાથી વધુ ટેલિકોમ કંપનીઓ ટાટા કૉમ્યુનિકેશન્સના નેટવર્કનો ઉપયોગ કરે છે. વિશ્વના 25 ટકાથી વધુ ઇન્ટરનેટ માર્ગો ટાટા કૉમ્યુનિકેશન્સના નેટવર્ક પર છે. કંપની વિશ્વની સૌથી મોટી સબમરીન ફાઇબર નેટવર્કની પણ માલિકી ધરાવે છે. ટાટા સ્કાય, ટાટા ગ્રૂપ અને 21મી સેન્ચુરી ફોક્સનું જૉઇન્ટ વેન્ચર છે. એ ભારતમાં ટોચના DTH પ્રદાતા છે.
ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ
આ સેગમેન્ટમાં ટાટા ઇન્ટરનૅશનલ, ટાટા ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન જેવી કંપનીઓ છે. ટાટા ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશન એક NBFC છે. ટાટા ઇન્ટરનૅશનલ ગ્લોબલ ટ્રેડિંગ અને ડિસ્ટ્રિબ્યુશન કંપની છે. જે મેટલ્સ, મિનરલ્સ, કૃષિ વેપાર, ઑટો ડિસ્ટ્રિબ્યુશન અને લેધર તથા લેધરની પ્રોડક્ટ્સમાં 5 બિઝનેસ વર્ટિકલ ધરાવે છે. ટાટા ક્લિક પણ આ સેગમેન્ટનો એક ભાગ છે.
ઍરોસ્પેસ અને ડિફેન્સ (સંરક્ષણ)
ટાટા ગ્રૂપ આ વર્ટિકલ દ્વારા દાયકાઓથી ભારતીય સેના માટે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ બનાવી રહ્યું છે. ટાટા ઍડવાન્સ્ડ સિસ્ટમ્સ આ દિશામાં કામ કરી રહી છે. કંપની પાસે 6 ફોકસ એરિયા છે – ઍરોસ્પેસ, UAV, મિસાઇલ્સ, રડાર, કમાન્ડ ઍન્ડ કંટ્રોલ અને હોમલૅન્ડ સિક્યુરિટી. ટાટા ઍડવાન્સ્ડ સિસ્ટમ્સે ભારતના સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવા લોકહીડ માર્ટિન, બૉઇંગ સાથે હાથ મિલાવ્યા છે. હવે ઍરબસનું નામ પણ ટાટા ગ્રૂપમાં નવા ભાગીદાર તરીકે જોડાયું છે.
ટાટા ગ્રૂપનું ધ્યાન ફાઇટર ઍરક્રાફ્ટ, હેલિકૉપ્ટર, ટ્રાન્સપૉર્ટ ઍરક્રાફ્ટ, હથિયાર પ્રણાલીઓ અને જમીન પ્રણાલીઓ માટે ‛મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમો પર વૈશ્વિક OEM સાથે ભાગીદારી પર છે. માનવરહિત સિસ્ટમોનું ઉત્પાદન પણ આ ગ્રૂપ ભારતીય સંરક્ષણ ક્ષેત્ર માટે અન્ય મહત્ત્વના ઍરોસ્પેસ અને સંરક્ષણ કાર્યક્રમોને સમર્થન આપવા અને વિશ્વ કક્ષાના ઍરો એન્જિન કમ્પોનેન્ટની ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
આ બધા ઉપરાંત ટાટા ગ્રૂપની શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ પણ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ, ટાટા મેમોરિયલ હૉસ્પિટલ, નૅશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સ વગેરે. ટાટા ડિજિટલ દ્વારા ઈ-કૉમર્સ ક્ષેત્રમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. ગ્રૂપે ટાટા ડિજિટલ દ્વારા બિગ બાસ્કેટ હસ્તગત કરી છે અને હવે એ સુપર ઍપ લૉન્ચ કરવાની તૈયારીમાં છે.
