ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 સપ્ટેમ્બર 2020
આ વર્ષે ભારતમાં ચારે બાજુ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે સૌથી વધુ નુકસાન ડુંગળીના પાકને થયું છે એને કારણે એ.પી.એમ.સી માર્કેટ સહિત વિવિધ હોલસેલ માર્કેટમાં ડુંગળીની આવક ઓછી થતાં ભાવો બમણાથી વધુ બોલાય રહ્યા છે. જ્યારે છુટક બજારમાં ભાવો 40 થી 45 રૂ. કિલોએ પહોંચ્યા છે.
નાસિકથી આવતા કાંદાના ભાવ 15 દિવસની અંદર બમણા થઈ ગયા છે. લાસણગાવમાં પહેલા 1070 રૂપિયાનો ભાવ હતો. જે શુક્રવારે વધીને 2100 સો રૂપિયા થઈ ગયો છે. બીજી બાજુ સારી ક્વોલિટીના ભાવ ઉપરમાં 2451 રૂપિયાથી નીચામાં 800 રૂપિયા બોલાઇ રહ્યા છે. આજ માલનો 15 દિવસ પહેલા ભાવ 1170 થી 500 રૂપિયા બોલાતા હતા.
વાત કરીએ ગુજરાતની તો મહુવાના ભાવ ચાર દિવસમાં મણના 100 રૂપિયા હતા જે વધીને 450 રૂપિયા મણના એટલે કે એક બોરી (20 kg) ના થયા છે. મહુવામાં લાલ ડુંગળી ના ભાવ આજે દોઢસો રૂપિયા થી 442 રૂપિયા પર પહોંચી ગયા છે. આ જ ભાવ ચાર દિવસ પહેલા સો રુપિયાથી 270 રૂપિયા મણના બોલાતા હતા.
અત્યારનો સમય દક્ષિણ ભારતથી આવતા કાંદાના નવા પાકનો હોય છે. પરંતુ , આ વર્ષે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડવાને કારણે કાંદાનો પાક બગડી ગયો છે, અને હજુ પણ વરસાદ પડવાની આગાહી છે. ડુંગળીમાં વ્યાપેલી તેજી વિશે વેપારીઓ કહે છે કે બેંગલોરમાં હાલ 12 થી 13 હજાર કવીંટલ જેટલી આવક બોલાવી રહી છે. 15 સપ્ટેમ્બર બાદ નવી આવક શરૂ થાય તેવી ધારણા છે. પરંતુ, વરસાદને કારણે પાકને નુકસાન થવાથી અને ખેતરોમાં હજી જવાય એવી સ્થિતિ ન હોવાથી દક્ષિણ ભારતમાં ભાવ હજી ઊંચકાય તેવી સંભાવના છે. બીજી બાજુ આંશિકપણે કાંદાની નિકાસ પણ ચાલુ છે. બાંગ્લાદેશ શ્રીલંકા મલેશિયા સહિતના દેશોમાં થઇ રહી છે પખવાડિયા પહેલાં કાંદાના જે ભાવ હતા તેના બદલે અત્યારે ડબલ થઇ ગયા છે. ડુંગળી નો વેપાર સરેરાશ 20 રૂપિયાથી લઈને 25 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે…