News Continuous Bureau | Mumbai
- ભુજમાં નવનિર્મિત વેધશાળામાં મુલાકાતીઓને અત્યાધુનિક ટેલિસ્કોપ દ્વારા મળે છે અદ્ભુત અવકાશી ઘટનાઓ નિહાળવાની તક
- છેલ્લા બે વર્ષમાં 2 લાખથી વધુ લોકોએ ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી, 6 થિમેટિક ગૅલેરી બની આકર્ષણનું કેન્દ્ર
Bhuj: કચ્છના ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા શહેર ભુજમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ હવે ભારતની સૌથી મોટી અવકાશ વેધશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 25 ડિસેમ્બર 2024ના રોજ ગુડ ગવર્નન્સ નિમિત્તે આ વેધશાળાના ઉદ્ઘાટન થયાના માત્ર 30 દિવસમાં 1500થી વધુ લોકોએ આ વેધશાળાની મુલાકાત લીધી છે. આ વેધશાળા ભારતમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણને વેગ આપવામાં અને અવકાશ સંશોધનમાં લોકોની રુચિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગ હેઠળ GUJCOST દ્વારા ભુજમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર (RCS)ની શરૂઆત કરવામાં આવી હતી. ભુજિયા ડુંગરની ટોચ પર 10 એકરમાં ફેલાયેલું આ સેન્ટર આકર્ષક જગ્યાને કારણે શિક્ષણ સાથે મનોરંજન પણ પુરૂ પાડે છે.
છેલ્લા બે વર્ષમાં 2 લાખથી વધુ લોકોએ ભુજના રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી: 28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભુજમાં રિજિયોનલ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન થયું ત્યારથી અત્યારસુધીમાં 2 લાખથી વધુ લોકોએ તેની મુલાકાત લીધી છે. રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે મરીન નેવિગેશન સિમ્યુલેટર, સબમરીન સિમ્યુલેટર અને 3D મૂવીઝ જેવા આકર્ષણો છે, જેમાં હવે અવકાશ વેધશાળાનો પણ ઉમેરો થયો છે. આ ઉપરાંત, અહીં છ થિમેટિક ગૅલેરી પણ બનાવવામાં આવી છે, જેમાં મરીન નેવિગેશન, એનર્જી સાયન્સ, ફીલ્ડ્સ મેડલ, બોન્સાઈ, નેનો ટેક્નોલૉજી અને અવકાશ વિજ્ઞાનનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Republic Day 2025: 76માં પ્રજાસત્તાક દિવસનો સમાપન વિજય ચોક ખાતે થશે, ત્રણ સેનાઓ, CAPFના બેન્ડ દ્વારા આટલી ભારતીય ધૂન વગાડશે.
Bhuj: ભુજની વેધશાળા બની બ્રહ્માંડનું પ્રવેશદ્વાર: ભુજમાં નવનિર્મિત વેધશાળા અત્યાધુનિક 24-ઇંચ ટેલિસ્કોપથી સજ્જ છે, જે મુલાકાતીઓને નેબ્યુલી (નિહારિકાઓ), ગ્રહો અને દૂરના તારાવિશ્વો જેવી અદ્ભુત અવકાશી ઘટનાઓ નિહાળવાની તક પૂરી પાડે છે. ‘મનોરંજન સાથે શિક્ષણ’ના અનોખા અભિગમ સાથે રિજિયોનલ સાયન્સ સેન્ટર, ભુજ વિજ્ઞાન ક્ષેત્રે નવીનતાને પ્રોત્સાહન આપવામાં, લોકોને ખગોળીય ઘટના વિશે માહિતગાર કરવામાં અને બ્રહ્માંડના રહસ્યો વિશે જિજ્ઞાસા જગાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
મુલાકાતીઓ સાંજે 6 થી 9 વાગ્યા સુધી અવકાશ વેધશાળાની મુલાકાત લઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે રૂ. 20 અને અન્ય મુલાકાતીઓ માટે રૂ. 30 પ્રવેશ ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ વેધશાળા ખગોળશાસ્ત્ર આધારિત શૈક્ષણિક કાર્યક્રમો, ઇન્ટરેક્ટિવ સત્રો અને શાળાના અભ્યાસક્રમ સાથે સુસંગત મોડ્યુલ્સ પ્રદાન કરે છે.
ખાસ મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ વેધશાળા જ્યાં સ્થિત છે ત્યાં પ્રકાશ પ્રદૂષણ ઓછું હોવાથી તે સ્ટારગેઝિંગ એટલે કે તારાઓનું અવલોકન કરવા માટે ખગોળશાસ્ત્રના રસિકો અને સંશોધકોને આકર્ષે છે. અદ્યતન સંશોધિત ડૉલ-કિર્કહમ ટેલિસ્કોપને કારણે આ વેધશાળા એસ્ટ્રો-ટુરિઝમ અને એસ્ટ્રોફોટોગ્રાફી માટે આદર્શ સ્થળ છે. આ વેધશાળા શિક્ષણ, પર્યટન અને અદ્યતન ટેક્નોલૉજીનો આ સંગમ વિજ્ઞાનને રસપ્રદ અને સરળ બનાવવા માટે GUJCOSTની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
