Site icon

Vadnagar: 31 ઓગસ્ટ 2025 સુધીમાં 95,658 લોકોએ વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી

Vadnagar Archaeological Museum, Vadnagar heritage, Gujarat tourism, VGRC Mahesana 2025, Archaeological Experience Museum,

Vadnagar Archaeological Museum, Vadnagar heritage, Gujarat tourism, VGRC Mahesana 2025, Archaeological Experience Museum,

News Continuous Bureau | Mumbai

Vadnagar:  2500 વર્ષ કરતાં પણ વધુ સમયથી ધબકતું વડનગર શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે. આ ઐતિહાસિક શહેરના સમૃદ્ધ વારસાના સંરક્ષણ માટે આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન 16 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવ્યું હતું અને 1 ફેબ્રુઆરીથી તેને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અનુસાર, 31 ઓગસ્ટ 2025 સુધી સમગ્ર ભારતમાંથી કુલ 95,658 મુલાકાતીઓએ વડનગર પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયની મુલાકાત લીધી છે.

આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમના મુલાકાતીઓનો આ આંકડો સાંસ્કૃતિક પ્રવાસન માટે દ્રષ્ટાંતરૂપ છે. આ મુલાકાતીઓમાં બાળકો, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે, મ્યુઝિયમમાં દરેક વ્યક્તિની સુલભતા સુનિશ્ચિત કરવામાં આવી છે અને આ સ્થળ શૈક્ષણિક હેતુ માટે પણ લોકપ્રિય બની રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  PM Kisan Samman Nidhi update : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૧મો હપ્તો મેળવવા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી) ફરજિયાત

સંગ્રહાલય વડનગરના 2500 વર્ષ જૂના વારસાનું પ્રતિબિંબ

આ સંગ્રહાલય વ્યાપક ખોદકામ દરમિયાન મળી આવેલી કલાકૃતિઓના માધ્યમથી વડનગરના 2500 વર્ષ જૂના વારસાનું પ્રતિબિંબ રજૂ કરે છે. 13,525 સ્ક્વેર મીટરમાં ફેલાયેલા આ મ્યુઝિયમમાં કલા, સ્થાપત્ય, વેપાર, શહેરી આયોજન, ભાષા વગેરે પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરી આવેલી છે. 4,000 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા ખોદકામ સ્થળે પુરાતત્વીય અવશેષો 16થી 18 મીટરની ઊંડાઈએ જોઈ શકાય છે. મુલાકાતીઓને વડનગરના પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષોનો અનુભવ પૂરો પાડવા માટે એક કાયમી શેડ બનાવવામાં આવ્યો છે તેમજ અન્ય પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે.

આ સંગ્રહાલયમાં માટીકામ, શેલવર્ક, સિક્કા, ઝવેરાત, શસ્ત્રો અને સાધનો, શિલ્પો, રમતગમતનો સામાન અને ખાદ્યાન્ન, હાડપિંજરના અવશેષો જેવી જૈવિક સામગ્રી સહિત 5,000થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો ધરાવતું આ આર્કિયોલૉજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસના શોખીનો માટે એક ખાસ ભેટ છે.

VGRCમાં આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય

નોંધનીય છે કે, આગામી 9-10 ઑક્ટોબર, 2025ના રોજ મહેસાણામાં ઉત્તર ગુજરાત માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC) યોજાશે. આ પ્રાદેશિક પરિષદમાં વડનગર પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય આકર્ષણનું કેન્દ્ર બનશે, જે પ્રદેશનો ઐતિહાસિક વારસો ઉજાગર કરશે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસમાં ભારતનો સમૃદ્ધ પુરાતત્વીય અને સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત થશે ત્યારે ગુજરાત પ્રવાસનની કામગીરીની નોંધ પણ લેવાશે.

Exit mobile version