ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મુંબઈમાં મલાડ બાદ હવે કુર્લા- એલ વોર્ડનું વિભાજન કરવામાં આવવાનું છે. કુર્લા-એલ વોર્ડમાં કુલ 16 નગરસેવકનો સમાવેશ થાય છે. એલ વોર્ડના બે વોર્ડમાં ટુકડા કરીને એલ-સાઉથ અને એલ-નોર્થ એમ બે વોર્ડ બનાવવામાં આવશે.
એલ-સાઉથની ઓફિસ હાલ જયાં એલ વોર્ડની ઓફિસ છે ત્યાં જ રહેશે. જયારે એલ-નોર્થની ઓફિસ ચાંદીવલીમાં બિલ્ડિંગ પ્રપોઝલની ઓફિસમાં બનાવાશે.
એલ વોર્ડની કુલ જનસંખ્યા 8,99,042 છે. તેની સામે પાલિકાના એલ-વોર્ડની યંત્રણા અપૂરતી સાબિત થઈ રહી છે. તેથી પ્રશાસકીય સહિત અન્ય કામ ઝડપથી થઈ શકે તે માટે એલ-વોર્ડનું વિભાજન કરવામાં આવવાનું છે.
હાલ એલ-વોર્ડમાં 156થી 171 એમ કુલ 16 વોર્ડ છે. 16 વોર્ડને એલ-નોર્થ અને એલ-સાઉથમાં વહેંચી નાખવામાં આવશે.
એલ-વોર્ડના વિભાજન બાદ કે-પૂર્વ વોર્ડનું પણ વિભાજન કરવાની પાલિકાની યોજના છે. કે-પૂર્વનું ઉત્તર અને દક્ષિણ વોર્ડમાં વિભાજન કરવામાં
આવશે. આ વોર્ડમાં વિલેપાર્લે(પૂર્વ), અંધેરી(પૂર્વ) અને જોગેશ્ર્વરી(પૂર્વ)નો વિસ્તાર આવે છે. આ વોર્ડની સંખ્યા 8,23,885 છે.
