ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
22 ડિસેમ્બર 2020
બૃહદ મુંબઈ વીજ પુરવઠો અને પરિવહન (બેસ્ટ) અન્ડરટેકિંગમાં જાન્યુઆરીથી નવેમ્બર 2020 ની વચ્ચે વીજ ચોરી અને મીટર ચેડાં કરવા બદલ 250.28 લાખ રૂપિયાની રકમ વસૂલી છે.
બેસ્ટ દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ, ચોરી અને મીટર સાથે ચેડાં ના કેસોમાં છેલ્લા એક વર્ષમાં 50 ટકાનો ઘટાડો થયો છે. ગયાં વર્ષે 2019 માં, બેસ્ટમાં જાન્યુઆરીથી નવેમ્બરની વચ્ચે વીજ ચોરીના 1,291 કેસ નોંધાયા હતા, જ્યારે 2020 માં અગિયાર મહિનામાં ફક્ત 672 કેસ સામે આવ્યાં છે. વર્ષ 2019 માં, 1,291 કેસોમાં દંડની રકમ રૂ. 759 લાખ વસૂલવામાં આવી છે.
બેસ્ટ અધિકારીઓએ જણાવ્યું છે કે, વિજિલન્સ વિભાગ અવારનવાર અનામી પત્રો અને ફોન કોલ્સ દ્વારા ટીપ મેળવે છે, ટીપ મળ્યા પછી, વિજિલન્સ અધિકારીઓની એક ટીમ દરોડા પાડશે અને જો દોષી સાબિત થાય તો બેસ્ટ ચોરી કરનાર વ્યક્તિને દંડ ફટકારે છે. અને દંડ નહીં ભરે તો કડક સજા પણ કરવામાં આવે છે.
બેસ્ટના અધિકારીએ એ પણ માહિતી આપી હતી કે મોટાભાગની વીજ ચોરીના બનાવ ધારાવી, ગીતા નગર અને એન્ટોપ હિલના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બને છે. આ વિસ્તારોમાં પાવર માફિયાઓનો પ્રભાવ ઘણો છે, જેઓ ગેરકાયદેસર મીટર દ્વારા ચાલી ઓમાં વીજળી પહોંચાડે છે અને બદલામાં તેમની પાસેથી પૈસા વસુલે છે. જેને લીધે પ્રસાશનને કરોડોની ખોટ જાય છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં વીજ ચોરી ખૂબ સામાન્ય છે, લોકો ગેરકાયદેસર મીટર દ્વારા કુલર, રેફ્રિજરેટર્સ અને ટીવી જેવા અનેક ઉપકરણો ચલાવે છે, પરિણામે આ વિસ્તારોમાંથી થતી આવક તેમના દ્વારા વપરાશ કરતા યુનિટ કરતા ઓછી હોય છે."