ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જૂન 2021
સોમવાર
સરકારની વારંવારની ચેતવણી બાદ પણ ખાનગી હૉસ્પિટલો કોરોનાના દર્દી પાસેથી ફીના નામે લાખો રૂપિયા લૂંટી રહી છે. મહારાષ્ટ્રના ભિવંડી શહેરમાં કોરોનાના દર્દીઓ પાસે વધુ પૈસા ખંખેરનારી હૉસ્પિટલને બરોબરનો સબક શિખવાડવામાં આવ્યો છે. ભિવંડી-નિઝામપુર પાલિકાએ બે મહિના માટે આ હૉસ્પિટલનું લાઇસન્સ રદ કરી નાખ્યું છે.
ભિવંડીમાં ડૉ. નુરુદીન અન્સારીની સિરાજ હૉસ્પિટલ આવેલી છે. હૉસ્પિટલે દર્દી પાસેથી સારવારના નામે વધુ ફી વસૂલી હતી. એની ફરિયાદ આવ્યા બાદ પાલિકા પ્રશાસને હૉસ્પિટલને વધારાના પૈસા પાછા કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તેણે આ આદેશની અવગણના કરી હતી. એથી પાલિકાએ હૉસ્પિટલનું રજિસ્ટ્રેશન બે મહિના બાદ રદ કરી નાખવાની કાર્યવાહી કરી હતી.
ભિવંડીમાં કોરોનાની પહેલી તેમ જ બીજી લહેર દરમિયાન કેસ વધી ગયા હતા. એથી પાલિકા પ્રશાસને સિરાજ હૉસ્પિટલને ડેડિકેટેડ કોવિડ હૉસ્પિટલ જાહેર કરી હતી. અહીં દર્દી પર મહાત્મા જ્યોતિબા ફુલે જનઆરોગ્ય યોજના હેઠળ સારવાર કરવાની હતી. તેમ જ જેને આ યોજનાનો લાભ ના મળતો હોય તેમને સરકારે નિશ્ચિત કરેલા દર મુજબ સારવાર કરવાની હતી. આ હૉસ્પિટલે મનસ્વી રીતે દર્દીઓ પાસેથી ફી વસૂલી હોવાનું ઑડિટ કમિટીની તપાસમાં બહાર આવ્યું હતું.
હૉસ્પિટલના જણાવ્યા મુજબ 2020-21ના આર્થિક વર્ષમાં 2,66,600 રૂપિયા તો 2021-2022ના આર્થિક વર્ષમાં 12,22,000 રૂપિયા પાછા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. છતાં સિરાજ હૉસ્પિટલે આ રકમ પાછી કરી નહોતી. વાંરવારની ચેતવણી બાદ પાલિકાએ એનું હૉસ્પિટલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રદ કર્યું હતું.
