ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
09 નવેમ્બર 2020
ઉત્તર મુંબઈથી ગુજરાત જતા લોકોને હોવી ટ્રાફિકમાં રાહત મળવા જઈ રહી છે. દહિસર ચેકનાકા પર દરરોજ પીક અવર્સના સમયે થતા ટ્રાફિક જામથી નજીકના ભવિષ્યમાં હજારો લોકોને છુટકારો મળશે. દહિસરના એન. એલ. કૉમ્પ્લેક્સથી મીરા રોડના પેણકરપાડામાં આવેલા ખોડિયાર મંદિર વચ્ચે 50 ફુટના એક નવા રસ્તાનું કામ આજથી શરૂ થઈ રહ્યું છે, જેથી મીરા રોડથી દહિસર વાહનમાં માત્ર પાંચ મિનિટમાં પહોંચી શકાશે. તેમજ નેશનલ હાઈવે 48 પકડવા વાળાને પણ સરળતા થઈ જશે. કારણ કે આજ રસ્તો આગળ અમદાવાદ-દિલ્હી જવા વાળા લોકો પણ યુઝ કરતાં હોય છે.
મીરા રોડથી દહિસરના એન. એલ. કૉમ્પ્લેક્સને જોડતો રસ્તો બનાવવાની યોજના 7 વર્ષથી વિવિધ પ્રકારની મંજૂરીઓ ન મળવાને લીધે ખોરંભે ચઢી ગઈ હતી. હવે બધી મંજૂરીઓ મળી જવાથી આ રસ્તો બનાવવાનું કામ શરૂ થઈ શકયું છે. દહિસરની બાજુએથી પેણકરપાડા સુધીનો રસ્તો ઑલરેડી બનીને તૈયાર છે.