News Continuous Bureau | Mumbai
BMC Demolition Drive in Jogeshwari મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ શહેરમાં અનધિકૃત બાંધકામો વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે જોગેશ્વરી (પૂર્વ) વિસ્તારમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા એક જાણીતા કાર શોરૂમ અને સર્વિસ સેન્ટર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાના ‘K-ઈસ્ટ’ વોર્ડની ટીમે શોરૂમના પરિસરમાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામોને તોડી પાડ્યા હતા.
નોટિસની અવગણના ભારે પડી
પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર શોરૂમ માલિકે નિયમોનું ઉલ્લંઘન કરીને પરિસરમાં વધારાનું બાંધકામ કર્યું હતું. આ અંગે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (MMC) એક્ટની કલમ ૩૫૧ હેઠળ અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. શોરૂમ માલિકને નિર્ધારિત સમય મર્યાદામાં આ અનધિકૃત સ્ટ્રક્ચર્સ જાતે હટાવી લેવા સૂચના અપાઈ હતી, પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો નહોતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai-Ahmedabad Vande Bharat Express: પશ્ચિમ રેલવેનો મોટો ધમાકો! મુંબઈ-અમદાવાદ વંદે ભારતમાં કોચની સંખ્યા વધીને ૨૦ થઈ; મુસાફરો માટે ખુશીના સમાચાર
પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેમોલિશન
વારંવારની ચેતવણી અને નોટિસની અવગણના થતા, પાલિકાના વહીવટીતંત્રે અંતે કડક વલણ અપનાવ્યું હતું. કોઈપણ અનિચ્છનીય બનાવને રોકવા માટે સ્થાનિક પોલીસના પ્રોટેક્શન હેઠળ પાલિકાની ટીમે શોરૂમ પર બુલડોઝર ફેરવીને ગેરકાયદે બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. હાઈવે પર કરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે પસાર થતા વાહનચાલકોમાં પણ કૌતુક સર્જાયું હતું.
