News Continuous Bureau | Mumbai
Neil Somaiya મુંબઈના મુલુંડ વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 107 ની બેઠક અત્યારે હોટ સીટ બની ગઈ છે. અહીં ભાજપના ઉમેદવાર નીલ સોમૈયા સામે ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે કે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર મેદાનમાં નથી. કિરીટ સોમૈયા, જેમણે અનેક નેતાઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના પુરાવાઓ બહાર કાઢ્યા છે, તેમના પુત્ર સામે વિપક્ષની આ શરણાગતિ પાછળ કોઈ રાજકીય સોદાબાજી નહીં પણ ટેકનિકલ ભૂલ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
શરદ પવારની પાર્ટીના ઉમેદવારનું ફોર્મ રિજેક્ટ
ઠાકરે બ્રધર્સ (ઉદ્ધવ અને રાજ ઠાકરે) ના ગઠબંધને આ બેઠક શરદ પવારની NCP (SP) માટે છોડી હતી. શરદ પવારની પાર્ટીએ હંસરાજ દાનાનીને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમણે નામાંકન પણ ભર્યું હતું. જોકે, ફોર્મ સાથે સોગંદનામું (Affidavit) ન જોડવાને કારણે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. આ એક મોટી ભૂલને કારણે નીલ સોમૈયા સામે વિપક્ષનો કોઈ સત્તાવાર ઉમેદવાર રહ્યો નથી.
કોંગ્રેસે કેમ ન ઉતાર્યો ઉમેદવાર?
મુંબઈમાં કોંગ્રેસ અને પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી (VBA) વચ્ચે ગઠબંધન છે. કોંગ્રેસે આ બેઠક VBA માટે ફાળવી હોવાથી તેમણે પોતાનો ઉમેદવાર ઉતાર્યો નથી. જોકે, વોર્ડ 107 માં નીલ સોમૈયા સામે અત્યારે VBA ના ઉમેદવાર અને 9 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે, પણ ઠાકરે જૂથ અને શરદ પવારના સમર્થન વગર તેઓ નબળા સાબિત થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
કિરીટ સોમૈયાની પ્રતિક્રિયા
પોતાના પુત્ર માટે માર્ગ સરળ બનતા કિરીટ સોમૈયાએ ફેસબુક પર પોસ્ટ લખીને આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, “ભગવાનની લીલા અનોખી છે. ઠાકરે બ્રધર્સ, કોંગ્રેસ અને NCP અહીં ઉમેદવાર ઉતારવામાં નિષ્ફળ રહ્યા છે.” નોંધનીય છે કે મુલુંડ ભાજપનો ગઢ મનાય છે અને અહીં ગુજરાતી તથા મારવાડી મતદારોનું પ્રભુત્વ છે, જે નીલ સોમૈયા માટે ફાયદાકારક છે.
