ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
મુંબઈમાં ડમ્પિંગ ગ્રાઉન્ડની ક્ષમતા પૂરી થવા આવી છે. એથી મુંબઈમાંથી નીકળતા કચરાનો વૉર્ડ લેવલ પર જ નિકાલ કરવાની યોજના મુંબઈ મહાનગરપાલિકાએ બનાવી છે. એ અંતર્ગત પ્રાયોગિક ધોરણે અંધેરી (વેસ્ટ) 32 ટન કચરા પર પ્રક્રિયા કરવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવવાનો છે. ભીના કચરામાંથી વીજળી બનાવવાના આ પ્રોજેક્ટને સફળતા મળી તો મુંબઈના બાકીના વૉર્ડમાં પણ આ યોજનાને અમલમાં મૂકવાનો પાલિકાનો વિચાર છે.
દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડની ક્ષમતા પૂરી થઈ ગઈ છે. હાલ પૂરા મુંબઈનો કચરો કાંજુરમાર્ગના ડમ્પિંગમાં ઠાલવવામાં આવે છે, પરંતુ એની પણ ક્ષમતા ઓછી છે. એથી રોજનો 6થી 7 હજાર ટન નીકળતા કચરાનો નિકાલ કરવાનો પાલિકા માટે માથાનો દુખાવો બની ગયો છે.
એમ તો પાલિકાએ 2 ઑક્ટોબર, 2017થી મોટી હાઉસિંગ સોસાયટીઓને તેમના સોસાયટીના પરિસરમાં કચરા પર પ્રક્રિયા કરવાનું ફરજિયાત બનાવ્યું છે. એમાં 20,000 ચોરસ મીટર કરતાં મોટી હાઉસિંગ સોસાયટી અને 100 કિલો કરતાં વધુ કચરો નીકળતો હોય એમને ભીના કચરા પર પ્રક્રિયા કરીને એનો નિકાલ સોસાયટીના પરિસરમાં જ કરવાનો હોય છે. હવે કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરવા પર પાલિકા ધ્યાન આપી રહી છે. હાજી અલીમાં કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરવાનો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે. હવે અંધેરી અને ત્યાર બાદ દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કચરામાંથી વીજળી ઉત્પાદન કરવાનો પ્રોજેક્ટ ચાલુ કરવાની યોજના પાલિકાએ બનાવી છે.