ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
કરી રોડમાં આવેલી વન અવિધ્ન પાર્કમાં લાગેલી આગની દુર્ઘટનાનું પુનરાવર્તન ટાળવા માટે હાઈરાઇઝ બિલ્ડિંગ અને ફાયર સેફ્ટી બાબતે ચોક્કસ પૉલિસી નક્કી કરવાનો આદેશ મુંબઈના મેયર કિશોરી પેડણેકરે પાલિકા પ્રશાસનને આપ્યો છે. તેમ જ આગમાં એકનું મોત થયા બાદ પાલિકાએ બિલ્ડર સામે પોલીસમાં ગુનો પણ નોંધાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
કરી રોડના 60 માળના બિલ્ડિંગમાં લાગેલી આગની દુર્ઘટનાની પૂરી તપાસ કરવામાં આવશે અને જે દોષી હશે તેની સામે પાલિકા, ફાયરબ્રિગેડ કાર્યવાહી કરશે અને દોષી સામે ગુનો દાખલ કરવામાં આવશે એવું મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું.ત્યાર બાદ મોડી સાંજે પાલિકાએ પોલીસમાં બિલ્ડર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. તેમ જ આ મુદ્દે મોડી સાંજે મેયરે પાલિકાના સંબંધિત અધિકારી સાથે મિટિંગ પણ કરી હતી.
