ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર,
ઘરમાં, સોસાયટી, ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાણી નથી આવતું, ગટરો ભરાઈ ગઈ છે એવી અનેક સમસ્યાઓની ફરિયાદ હવે મુંબઈગરા પોતાના નગરસેવકોને બદલે પાલિકાને સીધી જ કરી શકશે.મુંબઈ મહાનગરપાલિકાના નગરસેવકોની મુદત 7 માર્ચ 2022ના પૂરી થઈ રહી છે. તેથી નગરસેવકોની ગેરહાજરીમાં નાગરિકોની સુવિધા માટે પાલિકા પ્રશાસન જ સીધી નાગરિકોની સમસ્યાનો ઉકેલ લાવશે. તે માટે પાલિકા પોતાના 24 વોર્ડમાં 24 ફોન નંબર ઉપલબ્ધ કરી આપવાની છે.
સાત માર્ચના નગરસેવકોની મુદત પૂરી થવાની સાથે જ આઠ માર્ચથી પાલિકાનો કારભાર સંભાળવાની જવાબદારી એડમિનિસ્ટ્રેશનની હશે. પાલિકાની ચૂંટણી થઈને નવા નગરસેવકો ચૂંટાઈ નહીં ત્યાં સુધી નાગરિકોને પોતાની ફરિયાદો પાલિકાને સીધી જ કરવાની રહેશે. તે માટે નાગરિકો પાલિકાનો 1916 ટોલ ફ્રી નંબર પર તો સંપર્ક કરી જ શકશે. પરંતુ એ સાથે જ 24 વોર્ડમાં 24 હેલ્પલાઈન નંબર પણ ઉપલબ્ધ થશે.
મુંબઈગરાઓ પાણી સંભાળીને વાપરજો, શહેરના આ ડેમમાં ટેકનિકલ સર્જાતા આટલા ટકા પાણી કાપ રહેશે…
સામાન્ય રીતે દરેક વોર્ડમાં સ્થાનિક સ્તરે સુવિધા માટે અને ફરિયાદ કરવા માટે નગરસેવક જ હોય છે. તેથી પાણીની સમસ્યા હોય કે કચરાની સમસ્યા, લાઈટ, મલનિસારણ, રસ્તા જેવી કોઈ પણ ફરિયાદ નાગરિકો નગરસેવકોને જ કરતા હોય છે.
કોરોનાને કારણે પાલિકાની ચૂંટણી લંબાઈ ગઈ છે. તેથી જ્યાં સુધી ચૂંટણી થતી નથી અને નગરસેવકો તેમ જ પાલિકાની જુદી જુદી વૈદ્યાનિક કમિટીની રચના થતી નથી, ત્યાં સુધી એડમિનિસ્ટર જ પાલિકાનો કારભાર સંભાળશે અને નાગરિકોની ફરિયાદ સીધી પાલિકા પ્રશાસન જ કાને ધરશે.