ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
મુંબઈમાં નદીઓનું રૂપાંતર ગટર-નાળામાં થઈ ચૂક્યું છે. એવામાં મુંબઈ મહાનગરપાલિકાએ પશ્ચિમ ઉપનગરમાં આવેલી દહિસર અને વાલભટ્ટ આ નદીઓને પુનઃજીવિત કરવાનો નિર્ણય લીધો છે. આ બંને નદીઓને પુનઃજીવિત કરીને બંને કાંઠાઓ પર સુશોભીકરણની સાથે જ કાંઠા પર સ્યુએજ પ્રોજેક્ટ પણ ઊભો કરવામાં આવવાનો છે. એ માટે લગભગ એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે. સ્યુએજ પ્રોજેક્ટ માટે બહુ જલદી કૉન્ટ્રૅક્ટર પણ નીમવામાં આવવાનો છે.
દહિસર અને વાલભટ નદીના કિનારે આવેલી ઝૂંપડપટ્ટી અને ચાલીઓ તથા સોસાયટીનું સ્યુએજ વૉટર આ નદીમાં છોડવામાં આવે છે. તેમ જ ધોબીઘાટનું પાણી પણ આ નદીમાં છોડવામાં આવતું હોય છે. એથી એમાં પ્રદૂષણનો સ્તર પણ વધી ગયો છે. નદીઓને પુનઃજીવિત કરવા માટે પર્યાવરણ ખાતા તેમ જ મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સતત સૂચના આપવામાં આવતી હતી. આ પ્રકરણ પર પાલિકાને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. દિવસે ને દિવસે નદીઓમાં પ્રદૂષણની માત્રા વધી રહી હતી. છેવટે પાલિકાએ નદીઓને પુનઃજીવિત કરવા માટે સલાહકારની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે.
દહિસર નદીનું ઉદ્ગમ સ્થાન બોરીવલીનું નૅશનલ પાર્ક છે, ત્યાંથી નીકળીને દહિસર નદી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને લાગીને સંજયનગર, દૌલતનગર, દહિસર ગાવઠણ, લિન્ક રોડ પુલ નીચેથી પસાર થઈને મનોરી ખાડીમાં વિસર્જિત થાય છે. એ લગભગ 13 કિલોમીટરની લંબાઈની છે. એની કાયાપલટ પાછળ લગભગ 376 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે, તો વાલભટ્ટ નદીનું ઉદ્ગમ સ્થાન આરે ટેકરી, નૅશનલ પાર્ક છે. ત્યાંથી આ નદી આરે કૉલોનીથી વેસ્ટર્ન એક્સપ્રેસ અને વેસ્ટર્ન રેલવે નીચેથી એસ. વી. રોડ, ગોરેગામ (પશ્ચિમ)માં આવીને ઓશિવર નદીને મળે છે. આ નદી લિન્ક રોડથી આગળ મલાડ ખાડીમાં વિસર્જિત થાય છે. નદીમાં 11 નાળાં જોડાય છે. નદીની લંબાઈ લગભગ 7.310 કિલોમીટરની છે. એની પાછળ લગભગ 928 કરોડ 46 લાખ રૂપિયા ખર્ચવામાં આવવાના છે.