ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર, 2021
શુક્રવાર
વાહનચાલકને રસ્તાનો અંદાજ મેળવવા માટે રસ્તા પર પટ્ટા બનાવેલા હોય છે. મુંબઈના મહત્વના રસ્તાઓ અને અંતરિયાળ માર્ગો પર પણ આ પટ્ટાની સુવિધા છે. જોકે આ પટ્ટા માટે વાપરવામાં આવેલા રંગ ઝાંખા પડી જતા વાહન ચાલકોને રાત્રે રસ્તાનો અંદાજ મેળવવામાં મુશ્કેલી પડે છે. જેને લીધે અકસ્માતનું જોખમ રહે છે. આથી મુંબઈ પાલિકાએ વિશિષ્ટ રંગનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. તેને લીધે રસ્તા પરના દોરેલા પટ્ટા વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાય.
વાહનચાલકોની સુવિધા માટે અને રાત્રે તેમને રસ્તો જોવામાં અગવડ ન પડે તેથી પાલિકા થર્માપ્લાસ્ટિકના રંગોનો ઉપયોગ કરશે. રસ્તા પરના વિવિધ પ્રતિરોધક ઉપરાંત ઝેબ્રા ક્રોસિંગ પર પણ આ વિશિષ્ટ રંગોનો ઉપયોગ થશે. તેના માટે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર નિમણૂક કરવામાં આવશે અને ટેન્ડર મગાવીને કામ શરૂ કરાશે.
મુંબઈમાં અંતર્ગત રસ્તા ઉપર ગતિરોધની સંખ્યા વધારે હોય છે, પરંતુ રાતના સમયે તે દેખાતા નથી. જેને લીધે ઘણીવાર અકસ્માતો પણ સર્જાય છે. આથી દૂરથી પણ ગતિરોધક દેખાય એ માટે થર્માપ્લાસ્ટિકના રંગ વપરાશે. ઉપરાંત મુંબઈમાં ધૂળનું પ્રમાણ વધારે હોવાથી રંગ ઝાંખા પડી જાય છે. તેથી ચોમાસા સિવાય દર બે મહિને રંગોના પટ્ટા સ્વચ્છ કરવામાં આવશે.