News Continuous Bureau | Mumbai
Borivali Investment Scam: મુંબઈના બોરીવલી વિસ્તારમાં એક મોટું ઈન્વેસ્ટમેન્ટ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. કસ્તુરબા માર્ગ પોલીસે એક ખાનગી લિમિટેડ કંપની ચલાવતા દંપતીની ₹6.71 કરોડની છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી છે. આ દંપતીએ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ લાયસન્સમાં રોકાણ કરી ઊંચા વળતરની લાલચ આપી અનેક વેપારીઓને આર્થિક રીતે પાયમાલ કર્યા છે.પોલીસ તપાસ મુજબ, આરોપીઓ પોતાની જ સોસાયટીના રહીશો અને અન્ય પરિચિતોને પોતાની જાળમાં ફસાવતા હતા. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે તેમણે સમયસર વળતર આપ્યું હતું, પરંતુ રકમ મોટી થતા જ તેમણે હાથ અધ્ધર કરી દીધા હતા. કાપડના એક વેપારી અને તેમના સહયોગીઓએ મળીને કુલ ₹6.71 કરોડ રોકડ અને ઓનલાઇન ટ્રાન્સફર દ્વારા આ કંપનીમાં રોક્યા હતા.
ડ્રગ્સ કનેક્શન કે તપાસ ભટકાવવાનો પેંતરો?
જ્યારે રોકાણકારો પોતાના નાણાં પરત લેવા પહોંચ્યા ત્યારે દંપતીએ ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું કે રોકાણની તમામ રકમ ડ્રગ્સના વ્યવસાયમાં ડૂબી ગઈ છે, જેથી હવે નાણાં પરત મળી શકે તેમ નથી. જોકે, પોલીસ આ દાવાને ગંભીરતાથી લઈ રહી છે અને તપાસ કરી રહી છે કે શું ખરેખર નાણાં ડ્રગ્સમાં વપરાયા છે કે પછી આરોપીઓ તપાસની દિશા ભટકાવવા માટે આવો પેંતરો રમી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Crocodile Rescued in Mulund:મુલુંડમાં ગટરના નાળામાં મગર દેખાતા ફફડાટ: વન વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો
અનેક વેપારીઓએ કરોડોની મૂડી ગુમાવી
આ કૌભાંડમાં ફરિયાદી વેપારીએ ₹1.40 કરોડ ગુમાવ્યા છે, જ્યારે તેમના અન્ય સહયોગીઓએ પણ અંદાજે ₹1.70 કરોડનું રોકાણ કર્યું હતું. આ સિવાય અન્ય ત્રણ રોકાણકારોએ સંયુક્ત રીતે ₹2.34 કરોડની મૂડી લગાવી હતી. આમ, ઊંચા વળતરની લાલચમાં અનેક લોકોએ પોતાની જિંદગીની જમાપુંજી ગુમાવવાનો વારો આવ્યો છે.
પોલીસની નાગરિકોને અપીલ
કસ્તુરબા માર્ગ પોલીસે દંપતી વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે ભોગ બનનારનો આંકડો હજુ વધી શકે છે. પોલીસે અપીલ કરી છે કે જો અન્ય કોઈ વ્યક્તિ આ દંપતી દ્વારા છેતરાઈ હોય, તો તેમણે તુરંત પોલીસનો સંપર્ક કરવો જોઈએ જેથી કૌભાંડની કુલ રકમ અને અન્ય પુરાવાઓ એકત્ર કરી શકાય.
