News Continuous Bureau | Mumbai
Borivali Smart Station: મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનોના સંચાલનમાં પશ્ચિમ રેલ્વેએ એક મોટું પગલું ભર્યું છે. બોરીવલી રેલ્વે સ્ટેશનને હવે ‘સ્માર્ટ સ્ટેશન’ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં મુંબઈ શહેરની સૌથી મોટી ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિગ્નલિંગ પ્રણાલી (Electronic Interlocking System) લગાવવામાં આવી છે. આ નવી ટેકનોલોજીને કારણે ટ્રેનોના આવાગમન પર વધુ સારી રીતે નિયંત્રણ રાખી શકાશે અને ટ્રેનોના વિલંબની સમસ્યા દૂર થશે. કાંદિવલીથી બોરીવલી વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઇનના કામના ભાગરૂપે આ આધુનિક સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. અત્યાર સુધી અહીં દાયકાઓ જૂની ‘રિલે-બેઝ્ડ’ સિગ્નલિંગ સિસ્ટમ વપરાતી હતી, જેની જગ્યા હવે આધુનિક ડિજિટલ સિસ્ટમે લીધી છે.
કેવી રીતે કામ કરે છે આ નવી ‘સ્માર્ટ’ સિસ્ટમ?
આ નવી ડિજિટલ સિસ્ટમ દ્વારા કંટ્રોલ રૂમમાં બેઠા-બેઠા જ જાણી શકાય છે કે લોકલ ટ્રેન કયા પાટા પર છે, કયું સિગ્નલ ક્યારે બદલવાનું છે અને કયો રૂટ ખાલી છે. આ પ્રણાલી હેઠળ કુલ 381 રેલ્વે રૂટને એક જ સેન્ટ્રલ ડિજિટલ કંટ્રોલ સિસ્ટમ નીચે લાવવામાં આવ્યા છે. જેમાં 56 ડિજિટલ સિગ્નલ અને 90 ટ્રેક પોઈન્ટ્સ (સ્વિચ) ને ઈલેક્ટ્રોનિકલી નિયંત્રિત કરવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
8K ડિજિટલ સ્ક્રીનથી થશે મોનિટરિંગ
બોરીવલી સ્ટેશન પર એક અત્યાધુનિક સિગ્નલિંગ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ રૂમમાં બે મોટી 65-ઇંચની 8K ડિજિટલ સ્ક્રીન લગાવવામાં આવી છે. આ સ્ક્રીન પર ટ્રેનોની હિલચાલ ‘રીઅલ ટાઈમ’ (લાઈવ) જોઈ શકાય છે. આનાથી કોઈ પણ ટેકનિકલ ખામી કે ઈમરજન્સીના સમયે રેલ્વે અધિકારીઓ ઝડપથી નિર્ણય લઈ શકશે.
મુસાફરોને શું થશે ફાયદો?
સમયપાલન: નવી સિસ્ટમને કારણે ટ્રેનો વચ્ચેનું અંતર યોગ્ય રીતે જાળવી શકાશે, જેનાથી લોકલ મોડી પડવાની શક્યતા ઘટશે.
ભીડ પર નિયંત્રણ: ટ્રેનો સમયસર દોડવાને કારણે પ્લેટફોર્મ પર થતી મુસાફરોની ભીડને મેનેજ કરવી સરળ બનશે.
સુરક્ષિત મુસાફરી: ઈલેક્ટ્રોનિક કંટ્રોલ હોવાથી માનવીય ભૂલોની શક્યતા ઘટી જશે, જે મુસાફરીને વધુ સુરક્ષિત બનાવશે.
2026 ના પ્રારંભ સુધીમાં આ પ્રણાલી પૂર્ણ ક્ષમતા સાથે કામ કરતી થઈ જશે, જે મુંબઈ ઉપનગરીય રેલ્વે વ્યવસ્થાની સૌથી મોટી અને આધુનિક સિસ્ટમ હશે.
