ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧
મંગળવાર
મહાનગર મુંબઈમાં વરિષ્ઠ નાગરિકોને રસ્તામાં એકલા જતા જોઈ તેમને માયાજાળમાં ફસાવીને લૂંટ કરનાર માતા-પુત્રની ચારકોપ પોલીસે ધરપકડ કરી છે. બંને આરોપી મીરા રોડના રહેવાસી છે. આ બંને જણ કાર દ્વારા મુંબઈના વિવિધ પરામાં ભટકતાં હોય છે અને જ્યાં પણ તેઓ એકલા વરિષ્ઠ નાગરિકોને જુએ છે, તેમની સાથે પ્રેમથી વાત કરીને પહેલા તેમને માયાજાળમાં ફસાવે છે, બાદમાં તેમને એક અલાયદા સ્થળે લઈ જાય છે અને લૂંટ ચલાવે છે.
ધરપકડ કરાયેલા આરોપીનું નામ પંકજ કિશન પટેલ અને તેની માતાનું નામ ગીતા કિશન પટેલ છે. ચારકોપ પોલીસે મીડિયાને જણાવ્યું કે “ચારકોપમાં રહેતા 70 વર્ષીય ગણપત સુંદર પવાર સિનિયર સિટીઝન બૅન્કમાં પૈસા ભર્યા પછી તેના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે 40થી 45 વર્ષીય મહિલા તેને મળી અને આ વ્યક્તિને વાતોમાં ફસાવી તેને એક બંધાતી બિલ્ડિંગમાં લઈ ગઈ અને તેના ગળાની ચેઇન ચોરીને ફરાર થઈ ગઈ હતી.
આ વ્યક્તિએ બાદમાં ચારકોપ પોલીસ સ્ટેશનમાં કલમ 420 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ચારકોપમાં પોલીસને CCTVની મદદથી માહિતી મળી હતી કે આરોપી ફૉર્ડ ફિયેસ્ટા કારમાં ફરતો હતો. પોલીસે મીરા રોડથી બંનેની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણ થઈ હતી કે તેમની વિરુદ્ધ મુંબઈ અને નજીકના પોલીસ સ્ટેશનમાં 14 કેસ નોંધાયા છે.
