ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૧ મે 2021
સોમવાર
મુંબઈની પ્રતિષ્ઠિત ફાઇવ સ્ટાર હૉટેલ ‘ધ લલિત’ના ફ્રિજમાંથી કોરોનાની રસી મળી આવી છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકરને સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી હતી કે આ હૉટેલમાં ખાનગી રસીકરણ અભિયાન ચાલુ છે અને ત્યાર બાદ રવિવાર તેમણે અચાનક હૉટેલ પર ધાડ પાડી હતી અને સાદા ફ્રિજમાંથી મળેલી ભારત બાયોટેકની કોવેક્સિન સીલ કરવામાં આવી છે.
હકીકતે એક ખાનગી હૉસ્પિટલ દ્વારા આ કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરવામાં આવતો હતો. મેયરે હૉટેલની કોલ્ડ સ્ટોરેજ સુવિધા અંગે પણ શંકા વ્યક્ત કરી હતી, જે આ ખાનગી હૉસ્પિટલ દ્વારા ઉપયોગમાં લેવાઈ હતી. આ બાબતે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે "ઘણાં BMC સેન્ટરો પાસે નથી ત્યારે કોવેક્સિન ડોઝ તેઓએ કેવી રીતે મેળવ્યો? મને ડોઝ મળ્યા, તે સામાન્ય ફ્રિજમાં સંગ્રહિત હતા. આવી રસી લેનાર લોકોને આડઅસર થઈ શકે છે.”
ઉલ્લેખનીય છે કે હૉટેલના અધિકારીએ મેયરને જણાવ્યું હતું કે તેઓ રસીકરણ અભિયાન ચલાવતા નથી. ફક્ત સ્ટે પૅકેજ ઑફર કરે છે, કારણ કે ઘણા એવા લોકો છે કે જેઓ શહેરમાં એકલા રહે છે અને વેક્સિન લીધા બાદ તેઓની સંભાળ માટે આ પૅકેજ છે. ત્યાર બાદ મેયરે સ્પષ્ટતા કરી હતી કે હૉટેલ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહિ.
