ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
13 ઓક્ટોબર 2020
મુંબઈકરો ભૂલેચૂકે પણ માસ્ક પહેર્યાં વગર ઘરની બહાર નહીં નીકળતા.. અને જો નીકળો તો તરત દંડ ભરવાની તૈયારી રાખજો. હવે તમારૂ કોઈ બહાનું ચાલશે નહીં..તહેવારની સીઝન આવી રહી છે. તે પહેલા કોવિડ -19 ના ફેલાવાને સમાપ્ત કરવા માટે પાલિકાએ એક ઝુંબેશ શરૂ કરી છે. જેમાં માસ્ક ન પહેરનારાઓ પાસે તાત્કાલીક દંડ વસુલવામાં આવશે. મનપાએ દરરોજ 20,000 જેટલા આવા નાગરિકોને પકડવાનું લક્ષ રાખ્યું છે અને જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયાનો દંડ લેવામાં આવશે. ઓછામાં ઓછા એક મહિના સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે, એમ મનપા કમિશનર ઇકબાલસિંહ ચહલે જણાવ્યું હતું. સાથે જ તેઓ જાતે રોજ પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કરશે.
મુંબઈમાં અત્યાર સુધીમાં 2.27 લાખ કોવિડ -19 કેસ નોંધાયા છે અને આ રોગને કારણે 9,300 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ચહલે જણાવ્યું હતું કે, શહેરમાં સક્રિય કેસની સંખ્યા રવિવારે ઘટીને 22,369 પર આવી છે. અને, સરેરાશ મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે. કેસોનો બમણા થવાનો દર ધીમો પડી ગયો છે. ચહલના મત મુજબ સરેરાશ મૃત્યુ દર 4.90 ટકાથી ઘટીને 4.14 ટકા થઈ ગયો છે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં, દરરોજ પરીક્ષણોની સંખ્યા 7,000 થી વધારીને 12,000 કરી દીધી છે. અત્યાર સુધીમાં, નાગરિક સંસ્થાએ શહેરમાં 12.61 લાખ કોવિડ -19 પરીક્ષણો કર્યા છે. સાથે જ એમસીજીએમ આગામી દિવસોમાં પરીક્ષણોની સંખ્યા 16,000 થી વધારીને 18,000 કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.