ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 મે 2021
ગુરુવાર
કાંદિવલી(પશ્ચિમ)ના મહાવીર નગરમાં પાવનધામ કોવિડ કૅર સેન્ટરમાં કોરોનાના દર્દીઓને ઓછા દરે અને ઉચ્ચ પ્રકારની સારવાર મળી રહી છે. જે શિવસેનાને માફક નથી આવતું. શિવસેનાને એની ઈર્ષા થઈ રહી છે એવો આરોપ ભાજપના નગરસેવકોએ કર્યો છે. શિવસેનાના જોકે આ આરોપ બદલ ક્ષોભજનક પરિસ્થિતમાં મુકાવું પડ્યું હતું.
પાવનધામના કોવિડ સેન્ટરને લઈને ભાજપ અને શિવસેના સામસામે થઈ ગયાં હતાં. ભાજપના નગરસેવક જગદીશ ઓઝાના જણાવ્યા પ્રમાણે પાવનધામમાં ઓછા દરે અને નાતજાતના ભેદભાવ વગર દદીઓ અહીં સારવાર લઈને સાજા થયા છે. છતાં અહીં ફક્ત એક સમાજના જ લોકોને જ સારવાર આપવાંમાં આવી રહી હોવાનો ખોટો આક્ષેપ શિવસેનાની નગરસેવિકા ગીતા સિંઘલે પાલિકાની એક બેઠકમાં કર્યો હતો. પાવનધામમાં કોવિડ સેન્ટર ચાલુ કરવા આવશ્યક તમામ મંજૂરી પણ લીધી ન હોવાનો દાવો પણ ગીતા સિંઘલે કર્યો હતો, જેને શિવસેનાની નગરસેવિકા સંધ્યા દોશીએ પણ સમર્થન આપ્યું હતું.
શિવસેનાના આવા વલણની નગરસેવક હરીશ છેડાએ ઝાટકણી કાઢી હતી. કોઈ પણ જાતનો જાતિ ભેદભાવ નહીં કરતાં અહીં કોરોના દર્દીની સારવાર સસ્તામાં કરવામાં આવે છે, તેની શિવસેનાને ઈર્ષા થઈ રહી છે. પાલિકા પાસેથી તમામ મંજૂરી લીધા બાદ અહીં સેન્ટર ચાલુ કરવામાં આવ્યુ છે. છતાં શિવસેના ઈર્ષા અને દ્વેષથી પ્રેરાઈને આવો આરોપ કરી રહી હોવાનું હરીશ છેડાએ કહ્યું હતું.
બોરીવલીમાં વેક્સિનેશન સેન્ટરમાં વધુ એકનો ઉમેરો, જાણો વિગત
ભાજપના કહેવા મુજબ આ બેઠકમાં આસિસ્ટન્ટ કમિશનર ભાગ્યશ્રી કાપસેએ પાવનધામ સેન્ટરને તમામ મંજૂરી આપ્યા બાદ ચાલુ કરવામાં આવ્યું હોવાનું કહ્યું હતું. એથી શિવસેનાના નગસેવકોને ક્ષોભજનક પરિસ્થિતનો સામનો કરવો પડ્યો હતો.