News Continuous Bureau | Mumbai
દહિસર ટોલ નાકાને કારણે દરરોજ લાખો વાહનચાલકોને કારણ વગર રોકાવું પડે છે, બળતણનો વ્યય થાય છે, પ્રદૂષણ વધે છે. આ ટોલનાકુ મીરા-ભાઈંદરથી મુંબઈની મુસાફરી નાગરિકો માટે માથાનો દુખાવો બની ગયું છે.
દરરોજ અડધો-એક કલાક મુસાફરી વધી જવી, વાહનોની લાંબી કતારો અને વધેલું પ્રદૂષણ આ બધાનો ત્રાસ છેલ્લાં ઘણાં વર્ષોથી સ્થાનિકોએ સહન કરવો પડતો હતો. આ સંદર્ભે સ્થાનિક ધારાસભ્યો, લોકપ્રતિનિધિઓ અને નાગરિકો સતત અવાજ ઉઠાવી રહ્યા હતા.
આખરે, સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના હસ્તક્ષેપથી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો. આ સંદર્ભે થયેલી બેઠકમાં દહિસરના ધારાસભ્ય પ્રકાશ સુર્વે, પોલીસ કમિશનર નિકેત કૌશિક, MSRDC અને NHAI ના અધિકારીઓ, IRB ના પ્રતિનિધિઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : No PUC No Fuel: PUC નહીં, તો ઇંધણ નહીં મળે, સરકારનો કડક આદેશ
પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકએ જણાવ્યું કે, દહિસર ટોલ નાકાને ત્યાંથી ૨ કિલોમીટર આગળ, વર્સોવા પુલ સામેની નર્સરી પાસે સ્થળાંતરિત કરવામાં આવશે. આ પ્રક્રિયા દિવાળી પહેલા પૂરી થઈ જશે.
આનાથી મીરા-ભાઈંદરના અને મુંબઈ તરફ જતા લાખો મુસાફરોને ટ્રાફિક જામ અને ટોલના ત્રાસમાંથી રાહત મળશે. સરનાઈકે વિશ્વાસ વ્યક્ત કર્યો કે શિવસેના વતી નાગરિકોને રાહત આપવા માટે આ દિવાળીની ‘ટોલ-મુક્ત પ્રવાસ’ ભેટ છે