ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે જયારે મહારાષ્ટ્રમાં કડક પ્રતિબંધો અમલમાં છે. દરમિયાન વ્યાપારીઓની દુકાન પણ બળજબરીપૂર્વક બંધ કરાવવામાં આવી રહી છે, તેવામાં થાણેમાં ડાન્સબારમાં લલનાઓનું નૃત્ય ચાલુ છે. આ મામલો સોમવારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે એક મરાઠી ન્યૂઝ ચેનલના પત્રકારો દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનની ફૂટેજ પ્રસારિત કરી હતી.
થાણેના ત્રણ ડાન્સબારમાં આ સ્ટીંગ ઓપરેશન કરાયું હતું. અહીં સરકારના કડક પ્રતિબંધો છતાં પણ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થતું હતું. આમાંના બે બાર નૌપડા પોલીસ સ્ટેશનના અધિકારમાં હતા, જ્યારે ત્રીજું બાર વર્તકનગર પોલીસ સ્ટેશન હેઠળ હતું. આ મામલો પ્રકાશમાં આવતા જ તંત્રમાં ખડભળાટ મચી ગયો હતો. વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આ સંદર્ભે જવાબદાર પોલીસ અધિકારો વિરુધ્ધ કાર્યવાહી કરવાની હાકલ કરી હતી.
દરમિયાન જે પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં ડાન્સ બાર કાર્યરત હતા ત્યાના અધિકારીઓ વિરુદ્ધ થાણે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે બે સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પોલીસના બે આસીસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી)ની બદલી કરવામાં આવી હતી.