ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 સપ્ટેમ્બર 2020
દેશભરમાંથી કોરોના ની સૌથી વધારે માઠી અસર જો કોઇને થઇ હોય તો એ છે દેશની આર્થિક રાજધાની મુંબઈ.. મુંબઈમાં દેશભરમાંથી કોરોનાના સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે. ચાલુ વર્ષે આર્થિક રાજધાનીની સ્થિતિ ખરાબ હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈગરાઓને પણ રાહત આપવાનો નિર્ણય લીધો છે. છેલ્લા માર્ચ મહિનાથી લોકડાઉનને કારણે નોકરી ધંધા બંધ હોવાથી મોટા ભાગના રહેવાસીઓ આર્થિક સંક્રમણથી ઝઝૂમી રહ્યા છે. માર્ચ મહિનાથી મુંબઈ મહાનગરપાલિકાની પણ આર્થિક આવક બંધ થઈ ગઈ છે. આથી તેને પણ રોકડા ની જરૂર છે. આવા સમયે એક વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો છે. પાલિકા દ્વારા પ્રોપર્ટી ટેકસમાં 50 ટકાની રાહત આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેનો નિર્ણય 23 સપ્ટેમ્બરે પાલિકાની જનરલ બોડી મિટિંગમાં લેવાશે. જો આ પ્રસ્તાવ પાસ થશે તો 2.83 લાખ મિલકતધારકોને પ્રોપર્ટી ટેકસમાં 50 ટકા સુધીની રાહત મળશે.
જોકે પાલિકાના અધિકારીઓએ આ નિર્ણયથી મનપાને કેટલુ આર્થિક નુકસાન થશે એની માહિતી આપી નથી. જ્યારે પાલિકાના મેયર એ કહ્યું કે 'કોરોના ને લીધે પાલિકાની આર્થિક સ્થિતિ ખરાબ છે. મુંબઈની ઇકોનોમી પાટા પરથી ઉતરી ગઈ છે. એક અંદાજ મુજબ મુંબઈમાં 4.2 લાખ પ્રોપર્ટી રજિસ્ટર છે. જેમાંથી 1.37 લાખ પ્રોપર્ટી ધારકો 500 ચોરસ ફીટ થી નાની મિલકત ધરાવતા હોવાથી, તેમનો પહેલેથી જ પ્રોપર્ટી ટેક્સ માફ કરી દેવાયો છે. છેલ્લે 2015 માં મિલકત વેરામાં ફેરફાર કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાના કાયદા મુજબ દર પાંચ વર્ષે ટેક્સમાં સુધારા-વધારા કરવામાં આવે છે..
