ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર,
પશ્ચિમ પરાના કાંદિવલીમાં ભારત રત્ન અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેઈની પૂર્ણ કદના પૂતળાને સ્થાપનામાં થઈ રહેલા વિલંબ સામે ભાજપના નેતા અને ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. પોતાનો ઊભરો તેમને વિડિયો દ્વારા બહાર પણ પાડ્યો હતો અને સત્તાધારીઓને પૂતળાની સ્થાપનામાં રાજકારણ નહીં રમવાની તેમણે અપીલ પણ કરી હતી. એટલું જ નહીં પણ અધિવેશન દરમિયાન પૂતળાની સ્થાપનાને મંજૂરી નહીં આપી તો આંદોલન કરવાની ચીમકી પણ ગોપાલ શેટ્ટીએ આપી છે.
ગોપાલ શેટ્ટીના મત વિસ્તાર કાંદીવલીમાં સ્પોટર્સ્ કોમ્પલેક્સમાં અટલબિહારી વાજપેઈની પૂર્ણકદના પૂતળાનું ગયા વર્ષે 25 ડિસેમ્બરના અનાવરણ કરવામાં આવવાનું હતું. તે માટેની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ છેવટના સમયે રાજ્યના રમતગમત મંત્રાલયે તેની મંજૂરી નકારી કાઢી હતી, તેથી મામલો બિચક્યો હતો.
સાંસદ ગોપાલ શેટ્ટીના કહેવા મુજબ પૂર્ણ કદના પૂતળાની સ્થાપના માટે રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવાર સાથે આ બાબતે સકારાત્મક બેઠક પણ થઈ હતી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરે સાથે પણ ચર્ચા થઈ હતી. મંત્રીમંડળની બેઠકમાં તેના પર ચર્ચા કરવાનું આશ્ર્વાસન પણ આપ્યું હતું. તેમ જ સંબંધિત ખાતાના અધિકારોને તાત્કાલિક કાર્યવાહીનો આદેશ પણ આપ્યો હતો. પરંતુ કોંગ્રેસના નકારાત્મક વલણને કારણે મંજૂરી આપવામાં વિલંબ થઈ રહ્યો છે.
આખરે યાદ આવ્યા!! દક્ષિણ મુંબઈના ચોકનું નામ આ ભૂતપૂર્વ સ્વર્ગીય કેન્દ્રીય પ્રધાનનું આપવામાં આવ્યું. જાણો વિગત
ગોપાલ શેટ્ટીએ બહાર પાડેલા વિડિયોમાં પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે 18 ફેબ્રુઆરી 2022ના તમામ દસ્તાવેજોની સાથે ફાઈલ રાજ્યના રમતગમત ખાતા અને યુવક કલ્યાણ પ્રધાન સુનીલ કેદારને મોકલવામાં આવી હતી. પણ તેમના અધિકારી રજા પર ઉતરી ગયા હોવાથી 28 ફેબ્રુઆરી સુધી તેના પર કોઈ કામ આગળ વધ્યુ નથી. ગયા વર્ષે માર્ચ મહિનામાં પૂતળાના અનાવરણને લઈને કુલ 12 ખાતાઓ પાસે મંજૂરી માગતો પત્ર લખવામાં આવ્યો હતો. એક વર્ષ બાદ પણ તેને મંજૂરી આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકારનું અધિવેશન ચાલી રહ્યું છે, તેમાં જો પ્રતિમાના સ્થાપનાને લઈને મંજૂરી નહીં આપવામાં આવી તો આંદોલન કરવામાં આવશે.