ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 મે 2021
શુક્રવાર
નૅશનલ સિક્યૉરિટી ગાર્ડના ભૂતપૂર્વ ડાયરેક્ટર અને મુંબઈ પર 26 નવેમ્બર, 2008માં થયેલા આતંકવાદી હુમલા દરમિયાન કમાન્ડોની ટીમનું નેતૃત્વ કરનારા જ્યોતિ કૃષ્ણ દત્તનું કોરોનાથી નિધન થયું છે. તેઓને ગુરુગ્રામની મેદાંત હૉસ્પિટલમાં 14 એપ્રિલના સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ગુરુવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રનો સમાવેશ થાય છે.
જ્યોતિ કૃષ્ણ દત્ત 1971ની બેચના અધિકારી હતા. પશ્ચિમ બંગાળમાં તેમણે ફરજ બજાવી હતી. તેઓ NSGના ઑગસ્ટ 2006થી ફેબ્રુઆરી 2009 સુધી ડાયરેક્ટર પદે રહ્યા હતા. મુંબઈમાં 26 નવેમ્બર, 2008ના આતંકવાદી હુમલા દરમિયાન તેમણે ઑપરેશન બ્લૅક ટોર્નેડો પાર પાડ્યું હતું.
તેઓ એ સમયે 200 બ્લૅક કૅટ કમાન્ડોનું નેતૃત્વ કરતા હતા. તેમના નેતૃત્વમાં કમાન્ડોએ આતંકવાદી વિરુદ્ધની કાર્યવાહી પાર પાડી હતી. આતંકવાદીઓ વિરુદ્ધ લગભગ 60 કલાક લાંબી કાર્યવાહી ચાલી હતી, જેમાં વિદેશી નાગરિક સહિત કુલ 166નાં મૃત્યુ અને 300થી વધુ જખમી થયા હતા.