News Continuous Bureau | Mumbai
મુંબઈના પ્રવેશદ્વાર સમાન દહિસર ચેક નાકા પાસે લૂંટારુઓએ ફિલ્મી સ્ટાઈલમાં લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા વ્યક્તિઓ એ નકલી અકસ્માતનું બહાનું ધરીને ટેક્સી રોકાવી હતી અને કારની ડિક્કીમાંથી ₹૨૪.૫૩ લાખની કિંમતના લેટેસ્ટ આઈફોન (iPhone 17) અને મેમરી કાર્ડ્સની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા છે.
અમદાવાદના રહીશ અને દહિસરની એક ખાનગી કંપનીમાં કામ કરતા ફરિયાદી અને તેમના સાથીદારો એ હોંગકોંગથી ઓફિશિયલ કામ પતાવીને મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમની પાસે ઓફિસના કામ માટે લાવેલા ૩ iPhone 17 Pro, ૨ iPhone 17 Pro Max, મોટી સંખ્યામાં મેમરી કાર્ડ્સ, આઈફોન સ્ક્રીન અને પેન ડ્રાઇવ જેવો કિંમતી સામાન બેગમાં હતો. તેઓ એરપોર્ટથી ટેક્સી ભાડે કરીને દહિસર તરફ જઈ રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : BMC Action in Andheri:અંધેરીમાં BMCનો સપાટો: કૂપર હોસ્પિટલના એમ્બ્યુલન્સ માર્ગ પરથી ૨૦૦ ગેરકાયદે ફેરિયાઓ દૂર કરાયા
દહિસર ચેક નાકા પાસે સીએનજી પંપ નજીક બુલેટ પર આવેલા બે યુવકોએ તેમની ટેક્સીને આંતરી હતી. આરોપીઓએ એવો દેખાવ કર્યો કે ટેક્સીએ તેમની બાઇકને ટક્કર મારી છે. જેવી ટેક્સી ઉભી રહી અને ફરિયાદી તથા તેમના મિત્રો નીચે ઉતર્યા, આરોપીઓએ તેમની સાથે ઉગ્ર દલીલો અને ધમાલ શરૂ કરી દીધી હતી. આ મૂંઝવણનો લાભ ઉઠાવી એક વ્યક્તિ એ કારની ડિક્કી ખોલીને મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક સામાન ભરેલી બેગ ઉપાડી લીધી હતી અને પલવારમાં બંને બુલેટ પર ફરાર થઈ ગયા હતા.
દહિસર પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને આશંકા છે કે આરોપીઓ એરપોર્ટથી જ ટેક્સીનો પીછો કરી રહ્યા હતા અને તેમને ખબર હતી કે બેગમાં કિંમતી સામાન છે. હાલમાં એરપોર્ટથી દહિસર સુધીના રૂટ પરના તમામ સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે જેથી બુલેટ સવાર લૂંટારુઓની ઓળખ કરી શકાય.
