ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 15 ઓક્ટોબર, 2021
શુક્રવાર.
સેન્ટ્રલ રેલવે તેના નિયત સમય કરતા મોડી દોડવા માટે પંકાયેલી છે. રોજના લાખો પ્રવાસીઓ સેન્ટ્રલ રેલવેમાં પ્રવાસ કરે છે. આગામી નવું વર્ષ સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓ માટે સુખદાયી બની રહે એવી શકયતા છે. થાણેથી દિવા વચ્ચે મેલ એક્સપ્રેસ માટે અને લોકલ માટે અલાયદી લાઈન ચાલુ કરવા નવા વર્ષનું મુહૂર્ત નક્કી કર્યું છે. બંને સર્વિસ માટે અલગ-અલગ લાઈન થવાથી આગામી વર્ષમાં સેન્ટ્રલ લાઈનમાં પ્રવાસીઓ માટે લોકલની 80થી 100 જેટલી સર્વિસ વધી જવાની શકયતા છે.
મુંબઈમાં આટલા લાખ બાળકોનું થશે વેક્સિનેશન, મુંબઈ મનપાએ કરી આ તૈયારીઓ; જાણો વિગત
થાણે અને દિવા વચ્ચે પાંચમી અને છઠ્ઠી લાઈનનું કામ લાંબા સમયથી ધીમું ચાલી રહ્યું છે. તેથી લોકલની લાઈન પર બહારગામની ટ્રેનો દોડતી હોવાથી લોકલ ટ્રેનની સેવાને અસર થઈ હતી. હવે જોકે આ લાઈન ઉપલબ્ધ થવાથી થાણે-દિવા વચ્ચે મેલ ટ્રેનો આ લાઈન પર દોડશે. હાલ નવી લાઈન અને જૂની લાઈન(પાટા)ઓને જોડવાનું અને યાર્ડ જોડાણનું કામ બાકી છે. થાણે અને દિવા બંને સ્ટેશન વચ્ચે આ જોડાણનું કામ કરવાનું છે. આ કામ પૂરું થયા બાદ પાંચમી –છઠ્ઠી લાઈન પર બહારગામની ટ્રેનો દોડશે. તેથી લોકલની સર્વિસ વધારી શકાશે એવું રેલવેના ઉચ્ચ અધિકારીનું કહેવું છે. જોકે તબક્કાવાર સર્વિસ વધારાશે. 2008થી આ પ્રોજેકટ હાથમાં લેવામાં આવ્યો હતો. જોકે જમીન સંપાદન, મેનગ્રોવ્ઝ, અતિક્રમણ જેવા અનેક મુદ્દાઓને કારણે પાંચમી-છઠ્ઠી લાઈનનું કામ અટવાઈ પડયું હતું.
